Bharat Taxi: હવે Ola-Uberની મનમાનીનો અંત! 20 નવેમ્બરથી ગુજરાતના 3 શહેરોમાં 'ભારત ટેક્સી' ટ્રાયલ બેઝ પર શરૂ થશે

'ભારત ટેક્સી'માં કોઈ પણ પ્રકારનું કમિશન નહીં લેવામાં આવે. આ સર્વિસ સાથે સંકળાયેલા વાહન ચાલકોને ડ્રાઈવર નહીં, પરંતુ તેમને 'સારથી' કહેવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 08 Nov 2025 09:24 PM (IST)Updated: Sat, 08 Nov 2025 09:24 PM (IST)
bharat-taxi-start-on-trial-basis-in-3-cities-of-gujarat-from-november-20
HIGHLIGHTS
  • પાઈલટ પ્રોજેક્ટ માટે રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરની પસંદગી
  • ડિસેમ્બરથી 'ભારત ટેક્સી' સેવા રેગ્યુલર શરૂ થઈ જશે

Bharat Taxi: વર્ષોથી ભારતના ટેક્સી બજારમાં કેટલીક ખાનગી એપ્લિકેશન આધારિત કંપનીઓનો દબદબો જોવા મળી રહ્યો છે. લોકો પાસે વિકલ્પો ઓછા હોવાથી આવી કંપનીઓ દ્વારા પોતાની મરજી પ્રમાણે ભાડુ વસુલીને પેસેન્જરો સાથે લૂંટ ચલાવવામાં આવતી રહી છે. જો કે હવે સ્થિતિ સુધરવા જઈ રહી છે.

હકીકતમાં કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ દેશમાં પહેલી સહકારી ટેક્સી સેવા શરૂ કરવામાં આવી રહી છે, જેને 'ભારત ટેક્સી'નામ આપવામાં આવ્યું છે. આગામી 20 નવેમ્બરથી ગુજરાતના ત્રણ મોટા શહેરો જેમ કે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં 'ભારત ટેક્સી' સેવા ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે. જે બાદ આવતા મહિને એટલે કે ડિસેમ્બર મહિનામાં તેને રેગ્યુલર શરૂ કરી દેવામાં આવશે.

'ભારત ટેક્સી'ની સૌથી ખાસ વાત એ છે કે, આ સેવામાં કોઈ પણ પ્રકારનું કમિશન નહીં લેવામાં આવે. ડ્રાઈવરોને માત્ર મેમ્બરશિપનો ચાર્જ જ ચૂકવવો પડશે, જે દૈનિક, સાપ્તાહિક કે માસિક હોઈ શકે છે. જેના કારણે પુરી કમાણી સીધી ડ્રાઈવરના ખિસ્સામાં જશે.

સરકારનું માનવું છે કે, 'ભારત ટેક્સી' સેવાથી દેશના લાખો ડ્રાઈવરોની આર્થિક સ્થિતિ વધારે મજબૂત બનશે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધશે. આટલું જ નહીં, આ સર્વિસ સાથે સંકળાયેલા વાહન ચાલકોને ડ્રાઈવર નહીં, પરંતુ તેમને 'સારથી' કહેવામાં આવશે.

મોદી સરકારનો ઉદ્દેશ્ય આગામી માર્ચ 2026 સુધીમાં 'ભારત ટેક્સી'ને દેશના તમામ મોટા શહેરોમાં શરૂ કરવાનો છે. આ માત્ર એક સેવા જ નથી, પરંતુ સહકારિતા ક્ષેત્રે નવી ક્રાંતિ માનવામાં આવી રહી છે.

ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડા સામે હવે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ એક નવી ક્રાંતિકારી સેવા શરૂ થવા જઈ રહી છે. દેશની પહેલી સહકારી ટેક્સી સેવા 'ભારત ટેક્સી' 20 નવેમ્બરમાં ટ્રાયલ બેઝ શરૂ થવા જઈ રહી છે અને ડિસેમ્બરમાં રેગ્યુલર શરુ થશે, જેનું કમિશન-મુક્ત મોડેલ ડ્રાઇવર્સ અને મુસાફરો બંને માટે ફાયદાકારક બનશે.

જણાવી દઈએ કે, હાલ ઓલા-ઉબેર જેવી ખાનગી કંપનીઓ ટેક્સી સર્વિસ પુરી પાડી રહી છે. જો કે ઘણી વખત આ ટેક્સી સર્વિસમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠતા રહ્યા છે. આજ કારણોસર કેન્દ્ર સરકાર દ્વારા ઓલા-ઉબેરની તર્જ પર સહકારી કેબ લાવી રહી છે.

'ભારત ટેક્સી' પહેલું રાષ્ટ્રીય સહકારી રાઈડ હેલિંગ પ્લેટફોર્મ છે, જેને સહકારિતા મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગરર્નેન્સ ડિવિઝન તૈયાર કર્યું છે. જેમાં ડ્રાઈવર પણ સહ-માલિક હશે. આ મામલે સહકાર ટેક્સી કો-ઑપરેટિવ લિમિટેડ સાથે MoU પણ થઈ ચૂક્યા છે.