Vadodara: ઉત્સવપ્રિય સંસ્કારી નગરી વડોદરામાં આગામી રામનવમીના પર્વને શાંતિપૂર્ણ અને હર્ષોલ્લાસ સાથે ઉજવવા માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.
રામનવમી નિમિત્તે શહેરમાં નીકળનારી શોભાયાત્રાઓમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી આજે શહેર પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને ભૂતડીઝાંપા મેદાન ખાતે ‘એરિયા ડોમિનેશન’ કાર્યક્રમ યોજાયો હતો.
ટેકનોલોજી અને માનવબળનો સમન્વય
પોલીસ કમિશનરે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે પોલીસ અત્યાધુનિક સંસાધનોથી સજ્જ છે. શોભાયાત્રાના રૂટ પર બાજ નજર રાખવા માટે સંવેદનશી વિસ્તારોમાં ડ્રોન સર્વેલન્સની મદદથી સતત નિરીક્ષણ કરવામાં આવશે. આ સાથે જ ફિલ્ડ પર તૈનાત જવાનો બોડી વૉર્ન કેમેરાથી સજ્જ હશે, જેથી દરેક હિલચાલ રેકોર્ડ થઈ શકે. આ ઉપરાંત શહેરના મુખ્ય સર્કલો અને સાંકડી ગલીઓમાં સીસીટીવી દ્વારા કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવશે.
ધાબા પોઈન્ટ અને સંવેદનશીલ વિસ્તારો પર વિશેષ નજર
શહેરના અતિ સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસે અત્યારથી જ ફ્લેગ માર્ચ અને સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. ખાસ કરીને ઊંચા મકાનો પર ‘ધાબા પોઈન્ટ’ અને ‘ડીપ ધાબા પોઈન્ટ’ ચેકિંગ કડક બનાવવામાં આવ્યું છે. અસામાજિક તત્વોમાં ફાળ પડે અને નાગરિકોમાં સુરક્ષાનો વિશ્વાસ વધે તે માટે પોલીસ દ્વારા રૂટ પર એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું.
23 સ્થળોએ નીકળશે શોભાયાત્રા
આ વર્ષે વડોદરા શહેરમાં નાની-મોટી કુલ 23 જેટલી રામનવમી શોભાયાત્રા નીકળવાની છે. આ તમામ રૂટ પર DCP, ACP સ્તરના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત રહેશે. માત્ર શોભાયાત્રા જ નહીં, પરંતુ ઠેર-ઠેર યોજાનારા મહાપ્રસાદ અને ભંડારાના કાર્યક્રમોમાં પણ પોલીસ સતર્ક રહી ભીડનું નિયંત્રણ કરશે.
પોલીસ તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે, જો કોઈ પણ અસામાજિક તત્વ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વડોદરાવાસીઓને ઉત્સાહભેર અને ભાઈચારા સાથે પ્રભુ શ્રીરામનો જન્મોત્સવ ઉજવવા પોલીસ પ્રશાસને અપીલ કરી છે.
