Vadodara: 'ઑપરેશન ક્રેકડાઉન' અંતર્ગત પોલીસની ઐતિહાસિક કાર્યવાહીઃ 2025માં NDPS એક્ટ હેઠળ સૌથી વધુ કેસ દાખલ કર્યાં, 89ની ધરપકડ

નવા વર્ષની ઉજવણીમાં વડોદરા ગ્રામ્ય પોલીસની કડક કાર્યવાહીઃ નશેડી ડ્રાઈવર અને ઓવરસ્પીડિંગના 5332 કેસ નોંધાયા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 02 Jan 2026 08:31 PM (IST)Updated: Fri 02 Jan 2026 08:31 PM (IST)
vadodara-news-police-operation-crackdown-highest-number-of-cases-filed-under-ndps-act-in-2025-89-arrested-666952
HIGHLIGHTS
  • રૂ.2.02 કરોડથી વધુ કિંમતનો નશીલો પદાર્થ સીઝ કરવામાં આવ્યો

Vadodara: વડોદરા શહેરને વ્યસનમુક્ત બનાવવાના સંકલ્પ સાથે વડોદરા શહેર પોલીસે વર્ષ 2025 દરમિયાન નશીલા પદાર્થો સામે ઐતિહાસિક કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના માર્ગદર્શન અને સૂચનાથી NDPS એક્ટ તથા PIT NDPS એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ કેસ નોંધાઈ અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જણાવ્યું કે, આજના યુવા ધનને ડ્રગ્સની ચુંગાળમાંથી બહાર કાઢવા તથા વડોદરા શહેરમાંથી નશીલા પદાર્થોના દુષણને જડમૂળથી નાબૂદ કરવા માટે શહેર પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ હેતુસર “ઓપરેશન ક્રેકડાઉન” શરૂ કરવામાં આવ્યું, જેના અંતર્ગત તમામ પોલીસ સ્ટેશનોમાંથી ત્રણ-ત્રણ કર્મચારીઓની ટીમો રચી NDPS એક્ટ અંતર્ગત અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી.

વર્ષ 2025 દરમિયાન વડોદરા શહેર પોલીસે કુલ 49 NDPS કેસ નોંધ્યા, જેમાં 89 આરોપીઓને ધરપકડ કરવામાં આવી અને કુલ રૂ. 2.02 કરોડથી વધુ કિંમતનો નશીલા પદાર્થોનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો.

વિવિધ પ્રકારના નશીલા પદાર્થોમાં ગાંજાના 31 કેસમાં 50 આરોપી પાસેથી રૂ. 68.96 લાખનો મુદ્દામાલ, ચરસના 2 કેસમાં રૂ. 79,680, અફીણના 2 કેસમાં રૂ. 22.50 લાખ, મેફેડ્રોન ડ્રગ્સના 6 કેસમાં રૂ. 23.33 લાખ, કફ સિરપ તથા ટેબ્લેટના 5 કેસમાં રૂ. 51.23 લાખ, હાઇબ્રિડ ગાંજાના 1 કેસમાં રૂ. 16.08 લાખ, હેરોઇનના 1 કેસમાં રૂ. 2.34 લાખ અને પોષડોડાના 1 કેસમાં રૂ. 67 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

વડોદરા ગ્રામ્ય પોલીસે નશેડી ડ્રાઈવર અને ઑવર સ્પીડિંગના 5 હજારથી વધુ કેસ નોંધ્યા

વડોદરા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ડ્રંક એન્ડ ડ્રાઇવ સામે નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે. તા. 23/12/2025થી તા. 30/12/2025 દરમિયાન મોટર વ્હીકલ એક્ટની કલમ 185 હેઠળ નશામાં વાહન ચલાવવાના 1598 કેસ નોંધાયા હતા. જે બાદ નવા વર્ષની ઉજવણી દરમિયાન તા. 31/12/2025થી તા. 1/1/2026 સુધીમાં વધુ 912 ડ્રંક એન્ડ ડ્રાઇવના કેસ નોંધાતા કુલ 2510 કેસ નોંધાયા છે.

આ ઉપરાંત, હાઇવે પર વધતા અકસ્માતોને અટકાવવા માટે ડિસેમ્બર મહિના દરમિયાન સ્પીડ ગનનો ઉપયોગ કરી ઓવરસ્પીડિંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરમિયાન કુલ 2822 ઓવરસ્પીડિંગના કેસ નોંધાયા છે.