Vadodara News: મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંજો, ગ્લાસ કોટેડ દોરી અને સિન્થેટિક મટીરિયલથી બનેલા ઘાતક માંજાના વેચાણ અને સંગ્રહ સામે વડોદરા શહેર પોલીસ હરકતમાં આવી છે. શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ કારેલીબાગ, ગોરવા, કપુરાઇ અને સયાજીગંજ પોલીસે સંયુક્ત રીતે કાર્યવાહી શરૂ કરી છે. કપુરાઇ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન સોમા તળાવ બ્રિજ પાસે સર્વિસ રોડ પરથી ભાવેશ વિલાસભાઈ બારીયા (રહે. સોમતળવા)ને 15 ચાઈનીઝ દોરીના રીલ સાથે ઝડપી લેવાયો હતો.
ગોરવા પોલીસે દુકાનો પર ચેકિંગ હાથ ધરી સંતોષનગર પાસે આવેલી હરસિદ્ધિ રીલ સેન્ટરમાંથી રણજીતભાઈ રાજેન્દ્રભાઈ પરમાર (રહે. સુભાનપુરા) પાસેથી પ્રતિબંધિત કાચનો એક કિલો જથ્થો અને ફિરકી જપ્ત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. ઉપરાંત, સયાજીગંજ પોલીસે નટરાજ ટાઉનશિપ પાસે આવેલી રાજુ માંજાની દુકાનમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન કાચવાળો માંજો મળી આવતા હિતેશ રાજુ ધનાવડે (રહે. પરશુરામ ભઠ્ઠો) સામે કાર્યવાહી કરી છે.
દાહોદ જિલ્લામાં સંજેલીમાં ચાઈનીઝ દોરીના ગેરકાયદે વેચાણ પર કાર્યવાહી
સંજેલી પોલીસે પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે કડક વલણ અપનાવ્યું છે. સંજેલીની મિલવાળી ચાલી વિસ્તારમાં રહેતો સાજીદભાઈ ઇલ્યાસભાઈ જર્મન પોતાના ઘરમાં ચાઈનીઝ દોરી રાખી વેચાણ કરતો હોવાનું બાતમી આધારે ખુલ્યું હતું. પોલીસે દરોડો પાડી તેના ઘરમાંથી રૂા. 18,000ની કિંમતના 36 ચાઈનીઝ દોરીના ફીરકા જપ્ત કર્યા હતા. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહીસાગર SOGની કાર્યવાહી રૂા.42 હજારનો મુદ્દામાલ જપ્ત
મહીસાગર જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના મુજબ પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની હેરાફેરી અટકાવવા SOG દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરાઈ હતી. કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહારાજ ઢાબા નજીક રોડ પર ચોરીછૂપીથી વેચાણ થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મહેન્દ્ર ભીખાભાઈ (રહે. મીઠાપુર, તા. શહેરા, જિ. પંચમહાલ)ને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 36 ચાઈનીઝ દોરીના ફીરકા (રૂા. 27,000) અને બે એન્ડ્રોઈડ મોબાઈલ (રૂા. 15,000) મળી કુલ રૂા. 42,000નો મુદ્દામાલ જપ્ત થયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની સામે BNS કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
