Vadodara: વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા બાદ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચેલા નેતાઓ સ્થાનિક નાગરિકોના રોષનો ભોગ બની રહ્યા છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ અજીતાનગર સોસાયટીમાં પહોંચેલા વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહનો સ્થાનિક રહીશોએ રીતસરનો ઉધડો લેતા બન્ને નેતાઓએ ચાલતી પકડી હતી.
હકીકતમાં આ વખતે પડેલા વરસાદમાં વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં થયેલ હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. વરસાદના કારણે વડોદરાની જનતાની હાલત બદતર બની ગઈ છે. જેના કારણે કોર્પોરેશનના તંત્ર તેમજ સરકાર સામે નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જો કે નાગરિકોના આ આક્રોશનો ભોગ વિધાનસભાના દંડકને બનવાનો વારો આવ્યો હતો. જયારે તેઓ પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિનો તાગ મેળવવા પહોંચ્યા ત્યારે તેઓ પર નાગરિકોએ પોતાનો રોષ ઠાલવ્યો હતો.
વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ શહેર ભાજપ પ્રમુખ સાથે સમા વિસ્તારમાં આવેલી અજિતા નગરમાં પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિકોએ હાથ જોડી નેતાઓને જય સિયારામ કહી જતા રહેવા કહ્યું.
સ્થાનિકોએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, નીચેના માળે સહાય આપવાના બદલે ત્રીજા માળે વસ્તુઓ મોકલાવતા હતા. પાણી ઉતરી ગયા પછી હવે આવવાની જરૂર નથી. શું અમને થયેલા નુકસાનનું સરકાર વળતર આપશે? જો સરકાર નુક્સાનની ભરપાઈ કરી શકે તેમ ના હોય તો મહેરબાની કરીને ચાલતી પકડો. આખરે બન્ને નેતાઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા.
