વડોદરા ACBની સફળ ટ્રેપ, પાદરા પોલીસ મથકમા PI વતી રૂ. 2 લાખની લાંચ લેતો વચેટિયો સકંજામાં

લવ જેહાદના ખોટા કેસમાંથી બચવા માટે આરોપી પાસે 6 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. આખરે લાંબી રકઝકના અંતે 2 લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ થઈ હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 16 Apr 2026 11:09 PM (IST)Updated: Thu, 16 Apr 2026 11:09 PM (IST)
vadodara-news-padra-pi-on-the-run-after-acb-catches-middleman-taking-bribe
HIGHLIGHTS
  • મુખ્ય આરોપી PI ઘટના બાદથી ફરાર

Vadodara: રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ લાલઆંખ કરતા વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વી.એ. ચારણ અને તેમના વતી લાંચ સ્વીકારનાર વચેટિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

‘લવ જેહાદ’ના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી 2 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા વચેટિયા સાજીદઅલી સૈયદને એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો છે, જ્યારે મુખ્ય આરોપી પીઆઈ હાલ ફરાર છે.

આ અંગે મળતી માહિતી મુજબ, પાદરા પોલીસ મથકમાં નોંધાયેલા એક સામાન્ય ઝઘડાના કેસમાં પકડાયેલા આરોપીને પીઆઈ વી.એ. ચારણે માનસિક દબાણમાં લીધો હતો. પીઆઈએ આ કેસને ‘લવ જેહાદ’નું સ્વરૂપ આપી દેવાની અને ગંભીર કલમો હેઠળ જેલમાં ધકેલી દેવાની ધમકી આપી હતી. આ ખોટા કેસમાંથી બચવા માટે પીઆઈએ આરોપી પાસે શરૂઆતમાં 6 લાખ રૂપિયાની માતબર રકમની માંગણી કરી હતી.

આરોપી અને પીઆઈ વચ્ચે લાંબી રકઝક બાદ આખરે 2 લાખ રૂપિયામાં સોદો નક્કી થયો હતો. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે વડોદરા એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીની ટ્રેપ અને પીઆઈની સંડોવણી
ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. પીઆઈ વતી લાંચના 2 લાખ રૂપિયા સ્વીકારવા માટે સાજીદઅલી ગુલામરસીદ સૈયદ નામનો વ્યક્તિ આવ્યો હતો. પંચોની હાજરીમાં સાજીદઅલીએ જેવી લાંચની રકમ સ્વીકારી કે તુરંત એસીબીએ તેને દબોચી લીધો હતો.

પકડાયા બાદ સાજીદઅલીએ પંચોની રૂબરૂમાં જ પીઆઈ વી.એ. ચારણ સાથે લાંચની રકમ મળી ગઈ હોવા અંગે ફોન પર વાતચીત કરી હતી, જેનાથી પીઆઈની સીધી સંડોવણી સાબિત થઈ હતી.

પીઆઈ ચારણ ફરાર, તપાસ તેજ
ટ્રેપની ગંધ આવી જતાં પીઆઈ વી.એ. ચારણ પોલીસ મથકેથી ફરાર થઈ ગયા હતા. એસીબીએ હાલ વચેટિયા સાજીદઅલીની ધરપકડ કરી છે અને ફરાર પીઆઈને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે. પોલીસ વિભાગમાં જ ઉચ્ચ અધિકારી દ્વારા આ પ્રકારે ‘લવ જેહાદ’ના નામે ઉઘરાણી કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.