Vadodara News: આજથી સાડા સાત દાયકા પહેલા જેઠ સુદ ચોથ વિક્રમ સંવત 2006ના રોજ BAPS સંસ્થાના સંસ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે એક હીરા પારખું ઝવેરીની માફક નાનકડા એવા સંતમાં હીર પારખ્યું અને એ 28 વર્ષના નવયુવાન સંતને આ વિશાળ સંસ્થાના પ્રમુખ તરીકે નિમ્યા ત્યારે સંતો ભક્તોમાં એક આશ્ચર્ય જેવું લાગ્યું હતું. પરંતુ વડોદરા જિલ્લાના ચાણસદના પનોતા પુત્ર એવા એ સંત નારાયણ સ્વરૂપ દાસે સળંગ 65 વર્ષ સુધી સંસ્થાના પ્રમુખ તરીકે રહી સંસ્થાની સાથો સાથ સનાતન ધર્મને સમગ્ર વિશ્વના ખૂણે ખૂણે પહોંચાડી પોતાના ગુરુને અદભુત ગુરુ ભક્તિ અર્ધ્ય અર્પણ કર્યું હતું.
21મી મે 1950થી 13 ઓગસ્ટ 2016 સુધી સેવારત નારાયણ સ્વરૂપદાસજી પ્રમુખ થયા ત્યારથી તેઓનું હુલામણું નામ પ્રમુખસ્વામી આજે નવખંડ ધરામાં લોક જીભે રટાતું રહે છે. એનું કારણ છે તેમની સાધુતા ની સુવાસ થકી સેવા સહ રાષ્ટ્રધ્યક્ષો તેમજ ધર્માધ્યક્ષો થી અદના આદમી સુધી તમામ સાથે સાલસ સ્વભાવ થી સંવાદિતા સાધનાર એવા આ સંતના આજના જેઠ સુદ ચોથના દિવસે તેઓના પ્રમુખ વરણી દિવસ નાં અમૃત મહોત્સવ પર્વે તેઓના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે જે રીતે સંત સમાજમાં તેઓ પ્રમુખ હતા. તેવી જ રીતે ફળોના પ્રમુખ એવી વિવિધ કેરીઓનો ભવ્ય અન્નકૂટ ધરી સંતો ભક્તોએ પ્રમુખ વરણી દિનની ઉજવણી કરી હતી.
પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અટલાદરા BAPS સ્વામિનારાયણ મંદિરથી પૂજ્ય સંતોની રાહબરી હેઠળ હજારો હરિભક્તો વહેલી સવારે સાડા પાંચ વાગ્યે પૂજ્ય સંતો એ પ્રસ્થાન કરાવેલ પદયાત્રા પ્રારંભ કરી અત્રે ચાણસદ પધાર્યા હતા. જેમાં મોટી સંખ્યામાં પૂજ્ય સંતો સાથે હજારો ભક્તો એ ધૂન ભજન કીર્તનની રમઝટ કરતા કરેલ પદયાત્રાથી પ્રમુખ સ્વામી મહારાજના પ્રમુખ વરણી દિવસનાં અમૃત મહોત્સવ પર્વે ભક્તિ અર્ધ્ય અર્પણ કરેલ હતું.