Vadodara News: લાંબા સમયથી પડતર રહેલી વિવિધ મહેસૂલી માંગણીઓનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા વડોદરા જિલ્લાના 350થી વધુ મહેસૂલી કર્મચારીઓએ અચોક્કસ મુદતની મોરચામંદીનું શસ્ત્ર ઉગામ્યું છે. રાજ્યવ્યાપી આંદોલનના ભાગરૂપે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્ર થયેલા કર્મચારીઓએ સૂત્રોચ્ચાર અને વિરોધ દર્શાવતા પોસ્ટરો સાથે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કર્મચારીઓના હડતાળ પર ઉતરી જવાથી સરકારી અને વહીવટી કામગીરી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ ગઈ છે.
મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, "અમે લાંબા સમયથી સરકાર સમક્ષ અમારી 14 વ્યાજબી માંગણીઓ રજૂ કરી રહ્યા છીએ, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવે છે. હવે જ્યારે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે, ત્યારે મંડળે અચોક્કસ મુદતની હડતાળનું કડક પગલું ભરવું પડ્યું છે." તેમણે સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી કે જ્યાં સુધી સરકાર દ્વારા તેમની 14 માંગણીઓનો લેખિતમાં સંતોષકારક ઉકેલ લાવવામાં નહીં આવે, ત્યાં સુધી આ આંદોલન અને હડતાળ યથાવત રાખવામાં આવશે.
સેવાઓ ઠપ્પ થતા અરજદારો પરેશાન થયા
મહેસૂલી કર્મચારીઓની આ હડતાળના કારણે કલેક્ટર કચેરી તેમજ વિવિધ તાલુકા સેવા સદનોમાં સામાન્ય જનતાને ભારે ભોગવવું પડી રહ્યું છે. હડતાળને પગલે પ્રજાને દૈનિક ધોરણે ઉપયોગી એવા આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો અને રેશનકાર્ડને લગતી તમામ મહત્વની કામગીરીઓ અટકી પડી છે. આ ઉપરાંત, ઈ-ધરા કેન્દ્રમાં થતી મિલકત વેચાણની નોંધો, વારસાઈ નોંધણી, જમીન મહેસૂલ સંબંધિત પ્રક્રિયાઓ અને અન્ય જમીન દસ્તાવેજી કામગીરીઓ પણ પૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.
દૂર-દૂરના ગ્રામ્ય વિસ્તારોમાંથી પોતાના કામ અર્થે સરકારી કચેરીઓએ પહોંચેલા અરજદારોને ખાલી હાથે પરત ફરવાનો વારો આવ્યો છે. આગામી દિવસોમાં જો આ હડતાળ લાંબી ખેંચાશે તો પ્રજાની મુશ્કેલીઓમાં ઓર વધારો થવાની શક્યતા સેવાઈ રહી છે.
