વડોદરાના અટલાદરા BAPS મંદિરમાં દિવાળીની ઉજવણી, 1500થી વધુ હરિભક્તોએ કર્યા ચોપડા અને લેપટોપના પૂજન

મંદિરના સંત વિવેકનિષ્ઠ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રવિવારના રોજ સવારે મંદિરના વિશાળ યજ્ઞપુરુષ સભા ગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે શારદા પૂજન કરવામાં આવ્યું હતું.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 08 Nov 2026 12:54 PM (IST)Updated: Sun, 08 Nov 2026 12:54 PM (IST)
vadodara-news-over-1500-devotees-perform-chopda-and-laptop-puja-at-atladara-baps-temple

Vadodara News: દિવાળીના પાવન પર્વ નિમિત્તે વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલા ભવ્ય BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પરંપરાગત સમૂહ શારદા (ચોપડા) પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને નૂતન વર્ષના પ્રારંભે વેપાર-ધંધામાં ઉત્તરોત્તર પ્રગતિ અને સમૃદ્ધિની કામના કરી હતી.

મંદિરના સંત વિવેકનિષ્ઠ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રવિવારના રોજ સવારે મંદિરના વિશાળ યજ્ઞપુરુષ સભા ગૃહમાં વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ-વિધાન સાથે શારદા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંદાજે 1500 કરતાં વધુ મહિલા અને પુરુષ ભક્તોએ ઉપસ્થિત રહીને માતા શારદાની આરાધના કરી હતી. આજના આધુનિક અને ટેક્નોલોજીના યુગને અનુરૂપ હરિભક્તોએ માત્ર પરંપરાગત ચોપડા જ નહીં, પરંતુ પોતાના લેપટોપ અને ટેબ્લેટ જેવા આધુનિક ડિવાઈસ પણ પૂજન માટે વિશેષરૂપે અર્પણ કર્યા હતા, જે આયોજનનું મુખ્ય આકર્ષણ રહ્યું હતું. સમગ્ર વર્ષ દરમિયાન આ ચોપડાઓમાં વ્યવસાયના હિસાબ-કિતાબ રાખવામાં આવશે.

naidunia_image

આ પર્વની ઉજવણીના ભાગરૂપે સાંજના સમયે રવિ સભા બાદ ભવ્ય આતશબાજીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો આનંદ અનેક હરિભક્તોએ માણ્યો હતો. આ સાથે જ બેસતા વર્ષના પવિત્ર દિવસે વહેલી સવારે 6 થી 7 વાગ્યા દરમિયાન 2000થી વધુ હરિભક્તો દ્વારા વિશેષ મહાપૂજા વિધિ સંપન્ન થશે, જેના દ્વારા નૂતન વર્ષનો મંગલ પ્રારંભ કરવામાં આવશે.

naidunia_image

બેસતા વર્ષના દિવસે સવારે 9 વાગ્યે અન્નકૂટની ભવ્ય આરતી યોજાશે, જેમાં ભગવાન ઠાકોરજી સમક્ષ 1200થી વધુ વિવિધ પ્રકારની મનમોહક વાનગીઓનો અન્નકૂટ ધરવામાં આવશે. અટલાદરા મંદિરનો અન્નકૂટ સમગ્ર શહેરમાં અનોખો અને દર્શનીય હોય છે, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. વિશેષ વાત એ છે કે આ હજારો વાનગીઓ કોઈ પ્રોફેશનલ કેટરર્સ કે કારીગરો દ્વારા નહીં, પરંતુ મંદિરના મહિલા મંડળ, બાલિકા મંડળ, યુવતી મંડળ અને નિષ્ઠાવાન હરિભક્તો દ્વારા છેલ્લા 15 દિવસની સખત મહેનત અને અદભુત ભક્તિભાવથી તૈયાર કરવામાં આવી છે. આ આયોજનથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે.