Vadodara: વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં નવરાત્રિ નિમિત્તે પૂજાપાનો સામાન ખરીદવા ગયેલી વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. જેમાં બે ભેજાબાજ મહિલાઓ નજર ચૂકવીને વૃદ્ધાના રૂ. 1.60 લાખના દાગીના સેરવી લીધા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ખટંબા અમોદર વિસ્તારમાં આવેલ શ્યામલ સોસાયટીમાં રહેતા સખીબેન રાઠવા ગઈકાલે માંડવી વિસ્તારમાં માતાજી માટે પૂજાપાનો સામાન ખરીદવા ગયા હતા. આ દરમિયાન બપોરે સાડા 12ની આસપાસ એક મહિલા અને તેની પુત્રીએ સખીબેન પાસે એસ.ટી. બસ ડેપો સુધી પહોંચાડવા માટે મદદ માંગી હતી.
આ પણ વાંચો
આથી સખીબેન રિક્ષામાં બન્ને ભેજાબાજ મહિલાઓને ઉતારવા માટે એસ.ટી બસ સુધી ગયા હતા. આ દરમિયાન રિક્ષામાં વાતો કરતી વખતે સખીબેનની નજર ચૂકવીને તેમની સોનાની બંગડી, વિંટી અને ચેન મળીને રૂ.1.60 લાખના દાગીના સેરવી લીધા હતા.
આ બાબતની જાણ થતા સખીબેને રાવપુરા પોલીસ મથકમાં બે ઠગ મહિલાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે બન્ને ઠગ મહિલાઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
