Surat: મહીધરપુરામાં મોબાઈલની દુકાનમાં થયેલી રૂ.7.25 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પાંડેસરામાંથી રીઢા આરોપીને ઝડપી પાડ્યો

ચોરી કરેલા 40 પૈકી 27 મોબાઈલ સહિત રૂ. 5.05 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 02 Oct 2024 07:42 PM (IST)Updated: Wed, 02 Oct 2024 07:42 PM (IST)
surat-news-crime-branch-solve-mobile-shop-theft-case-held-accused

Surat: શહેરના મહિધરપુરા લાલ દરવાજા વિસ્તારમાં હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. આ મામલે ગુનો નોંધી તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. આ કેસમાં સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એક રીઢા ચોરને ઝડપી પાડી તેની પાસેથી 27 મોબાઈલ અને બાઈક મળી કુલ 5.05 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

સુરતના મહિધરપુરા લાલ દરવાજા વિસ્તારમાં આવેલી મોટી શેરી પાસે હેવમોર મોબાઈલની દુકાનમાં ચોરીની ઘટના બની હતી. તસ્કરો દુકાનના શટરના તાળા તોડીને દુકાનમાંથી 7,25,282 રૂપિયાની કિમંતના 40 નંગ મોબાઈલ તેમજ ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂપિયા 20 હજાર મળી કુલ 7,45,282 રૂપિયાનો મુદામાલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો.

આ કેસની તપાસ કરી રહેલી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને પાંડેસરા વિસ્તારમાંથી આરોપી પ્રેમ લુકમાન મંડલ (28)ની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 4.55 લાખની કિમંતના 27 મોબાઈલ ફોન તેમજ 50 હજારની એક બાઈક મળી કુલ 5.05 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.

પોલીસની પૂછપરછમાં આરોપી હાલ કોઈ કામધંધો કરતો ના હોય અને નાણાકીય જરૂરીયાત પૂરી કરવા સારું મોબાઈલ ચોરી છૂટક વેચાણ કરી પૈસા કમાવવા હેતુથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.