Rajkot: શહેરની સિવિલ હોસ્પીટલમાં વધુ એક તબીબોની બેદરકારી બહાર આવી છે. જીવતા દર્દીઓ તો અહીં અનેક સમસ્યાથી ત્રસ્ત છે, પણ સિવિલ હોસ્પિટલમાં મૃતકોનો મલાજો પણ ન જળવાય તે રીતે તબીબો ગંભીર બેદરકારી દાખવતા હોવાના આક્ષેપો થયા છે.
હકીકતમાં બિમારી સબબ સિવિલમાં બેભાન અવસ્થામાં દાખલ કરાયેલ યાકુબભાઇ ઓસમાણભાઇ ગોગદા (ઉ.વ.48, રહે.ભગવતીપરા, શેરી નં.1, ફાટક પાસે)ની ચાલુ સારવાર દરમિયાન મોત થતાં ફરજ પરના તબીબોએ બપોરના 1.59 વાગ્યે યાકુબભાઇને મૃત જાહેર કરી દીધા હતા.
જો કે તે સમયે બી-ડિવિઝન પોલીસને જાણ કરવાનું ડોકટરો ભૂલી ગયા હતા. 3 કલાક પછી તબીબોને પોલીસને જાણ કરવાનું યાદ આવતા આટલો સમય મૃતકના પરિવારજનો આમથી તેમ સિવિલમાં રઝળતા રહ્યા હતા.
ડો.નારણભાઇ દ્વારા યાકુબભાઇને મૃત જાહેર કરાયાની ત્રણ કલાક બાદ પોલીસને જાણ કરાતા હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂએ પણ ટીટ ફોર ટેટ (જેવા સાથે તેવા) થઇને હોસ્પિટલનાં અધિકારી લેખિત આપે પછી એમ.એલ.સી. કરવાનું જણાવતા બેદરકાર તબીબોમાં દોડધામ સાથે આંખો ઉઘડી હતી. જો કે આટલો સમય મૃતકનો મલાજો જાળવવાનું જોખમાતા જાણકારોમાં સિવિલ તબીબો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
RMOએ પોલીસને લેખીતમાં આપી સ્વીકારી ભૂલ
પોલીસની જરૂરી કાર્યવાહીમાં દાખવાયેલ કડકાઇપણા બાદ જે તબીબો પોલીસમાં મોતનું જાહેર કરવાનું ભૂલી ગયા હતા. આખરે RMO દ્વારા ‘અમારી ભૂલ થઇ છે’ તેવું લેખીત આપ્યા બાદ જ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
