Vadodara: વડોદરા મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓએ સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ પ્રથમ દિવસથી જ પ્રજાહિતના કાર્યો માટે એક્શન મોડ અપનાવ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે, ત્યારે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ન સર્જાય તે માટે નવનિયુક્ત પદાધિકારીઓ આજે પ્રિ-મોન્સૂન કામગીરીની વસાહતી સમીક્ષા કરવા માટે સીધા મેદાને ઉતરી પડ્યા હતા.
સવારે કોર્પોરેશન કચેરી ખાતે અધિકારીઓ સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ તમામ પદાધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર સાથે દક્ષિણ ઝોનની મુલાકાતે પહોંચ્યા હતા.
આ પણ વાંચો
સાદગી અને પર્યાવરણનો સંદેશ: પદાધિકારીઓએ કર્યું કાર પુલિંગ
આ મુલાકાત દરમિયાન પદાધિકારીઓએ સાદગી અને પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. સવારે જ્યારે પદાધિકારીઓ કચેરીએ પહોંચ્યા ત્યારે મેયર ગીતાબેન મકવાણા પોતાના સ્કૂટર પર અને દંડક ઈવી સ્કૂટર પર આવ્યા હતા.
જે બાદ કોર્પોરેશન કચેરીથી મકરપુરા વિસ્તારમાં ચાલી રહેલી કાંસની સફાઈની સમીક્ષા કરવા માટે પાંચેય પદાધિકારીઓ પોતાના વ્યક્તિગત વાહનો છોડીને માત્ર બે ગાડીઓમાં 'કાર પુલિંગ' કરીને સ્થળ પર પહોંચ્યા હતા.
15 જૂન પહેલા કામગીરી પૂર્ણ કરવા મેયરની કડક સૂચના
સ્થળ નિરીક્ષણ દરમિયાન મેયર ગીતા મકવાણાએ જણાવ્યું કે, ચોમાસામાં વડોદરાના નાગરિકોને કોઈ તકલીફ ન પડે તે અમારી પ્રાથમિકતા છે. આજે પ્રથમ દિવસે જ અમે તમામ પદાધિકારીઓએ સાથે મળીને દક્ષિણ ઝોનમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી કરી છે. આગામી 15 જૂન પહેલાં તમામ બાકી કામગીરી કોઈપણ સંજોગોમાં પૂર્ણ કરી લેવા વહીવટી તંત્રને કડક સૂચના આપવામાં આવી છે.
શહેરમાં 87.5 ટકા કામગીરી પૂર્ણ
આ અંગે વિગતો આપતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, સાઉથ ઝોનમાં મસિયા કાંસ, રૂપારેલ કાંસ તેમજ મુખ્ય માર્ગો અને સોસાયટીઓમાં કેચપીટ ક્લીનિંગનું કામ વેગવંતું બનાવાયું છે. હાલ વડોદરામાં અંદાજે 1,30,000 જેટલી જગ્યાઓ પર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ કાર્યરત છે. જેમાં ડ્રેઈન લાઈન સફાઈ અને જેટિંગ મશીનથી ક્લીનિંગનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીમાં શહેરમાં 87.5 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને બાકીની 13 ટકા કામગીરી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે ઝડપથી પૂરી કરવામાં આવશે. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાં બફર લેક ઊંડા કરવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. પદાધિકારીઓ અને વહીવટી તંત્રના સંકલનથી આ વખતે ચોમાસા પૂર્વેની તૈયારીઓ સજ્જડ કરવામાં આવી રહી છે.
