Vadodara News: આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સાંસ્કૃતિક નગરી વડોદરાના બજારોમાં ગરબા રસિકો માટે નવરાત્રીની ખરીદીનો માહોલ બરાબરનો જામ્યો છે. શહેરના પ્રખ્યાત નવા બજાર સહિતના વિસ્તારોમાં ટ્રેડિશનલ ચણિયાચોળી અને જ્વેલરીની ખરીદી માટે માર્કેટમાં રોનક જોવા મળી રહી છે.
નવી વેરાયટીઓ અને ટ્રેન્ડિંગ કલેક્શન
આ વર્ષે માર્કેટમાં રુ.2,000થી લઈને રુ.10,000 સુધીની ચણિયાચોળીઓ ઉપલબ્ધ છે. જેમાં ખાસ કરીને 'ઝમકુડી' સ્ટાઈલ, કચ્છી વર્ક, રજવાડી પ્રિન્ટ, મલ્ટી-કલર ફ્લેર્ડ અને વધુ ઘેરવાળી ચણિયાચોળીનો ક્રેઝ યુવતીઓમાં સૌથી વધુ જોવા મળી રહ્યો છે. તે સિવાય જયપુરી અને દામન પ્રિન્ટ જેવી અવનવી ડિઝાઈનો પણ આકર્ષણનું કેન્દ્ર બની છે.

ચણિયાચોળી સાથે પરફેક્ટ ટ્રેડિશનલ લૂક મેળવવા માટે ઓક્સિડાઈઝ્ડ નેકલેસ, મોટાં ઝુમખાં, કડાં, કમરપટ્ટા અને મિરર તેમજ થ્રેડ વર્કવાળી ક્રાફ્ટ જ્વેલરીની પણ ભારે માંગ છે. સાથોસાથ પગમાં પહેરવા માટે ટ્રેડિશનલ મોજડી યુવતીઓની પહેલી પસંદ બની રહી છે.
રેન્ટલ પેકેજનો વધતો ક્રેઝ
મોંઘવારીના આ યુગમાં 9 દિવસ અલગ-અલગ ડ્રેસ પહેરવાના શોખીન યુવાધન માટે બજારમાં સ્પેશિયલ '9 ડેઝ રેન્ટલ પેકેજ' પણ ઉપલબ્ધ છે. રુ.7,500 સુધીના આ રેન્ટલ પેકેજમાં ચણિયાચોળીથી લઈને પગની મોજડી અને મેચિંગ જ્વેલરી સહિતની તમામ વસ્તુઓ મળી રહે છે, જેને ગ્રાહકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

રો મટિરીયલમાં ભાવવધારો અને વેપારીઓની આશા
બીજી તરફ, કાચા માલના ભાવમાં 20થી 25 ટકાનો વધારો થતાં ચણિયાચોળીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. નવા બજારના વેપારી સુરેશભાઈના જણાવ્યા મુજબ, ભાવવધારાને કારણે હાલ વેપાર થોડો ઠંડો છે અને ગ્રાહકો સસ્તું મટિરીયલ વધારે માંગી રહ્યા છે. જોકે, ખરીદી કરવા આવેલાં ગ્રાહક ઉમાબેન વણઝારા જણાવે છે કે, દર વર્ષે નવરાત્રીમાં કંઈક નવું જ પહેરવાનો ઉત્સાહ હોવાથી અત્યારથી જ ખરીદી શરૂ કરી દીધી છે.
નવરાત્રી જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ બજારમાં ગ્રાહકોની ભીડ વધશે અને વેપાર-ધંધો વેગ પકડશે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે.
