Vadodara News: વડોદરા શહેરના પોશ ગણાતા સન ફાર્મા રોડ પર આજે એક બેફામ બનેલા કારચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે રસ્તો ઓળંગી રહેલી એક ગર્ભવતી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ગભરાઈ ગયેલા કારચાલકે સ્થળ પરથી કાર લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઉશ્કેરાયેલા સ્થાનિકોએ તેને ઘેરીને ઝડપી લીધો હતો અને મેથી પાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.
મળતી પ્રાથમિક માહિતી અનુસાર, સન ફાર્મા રોડ પરથી પસાર થઈ રહેલી ગર્ભવતી મહિલા અચાનક કારની અડફેટે આવતાં રસ્તા પર પટકાઈ હતી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલકે ઈજાગ્રસ્ત મહિલાની મદદ કરવાને બદલે વાહન પૂરઝડપે દોડાવી સ્થળ પરથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર લોકોએ સમયસૂચકતા વાપરી કારનો પીછો કરી ચાલકને પકડી પાડ્યો હતો. કારચાલકના બેદરકારીભર્યા અને બિનજવાબદાર વર્તનથી રોષે ભરાયેલા લોકોએ તેને મેથી પાક ચખાડી બરાબરનો પાઠ ભણાવ્યો હતો.
આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના મોટા ટોળાં એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોમાં એવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે કે કારચાલક દારૂના નશામાં ધૂત થઈને વાહન ચલાવી રહ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ઈજાગ્રસ્ત ગર્ભવતી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. આ સાથે જ ઝડપાયેલા કારચાલકને લોકોના તાબામાંથી મુક્ત કરાવી અટકાયત કરી હતી. કારચાલક ખરેખર દારૂના નશામાં હતો કે નહીં તે અંગે પોલીસે તેનું મેડિકલ ચેકઅપ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી છે. સત્તાવાર મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ નશા અંગેની સ્થિતિ સ્પષ્ટ થશે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
