Vadodara Police: આગામી નવરાત્રી (Navratri 2025) મહોત્સવને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ખેલૈયાઓની સુરક્ષા, સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના એસપી સુશીલ અગ્રવાલના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા મોટા કોમર્શિયલ ગરબા સ્થળો અને શેરી ગરબાઓનું મેપિંગ અને સ્થળ વિઝિટની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.
મહિલા પોલીસકર્મીઓ ચણિયા-ચોળીમાં ફરજ પર
આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં એક અનોખી પહેલ જોવા મળશે. મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પરંપરાગત ચણિયા-ચોળી અને અન્ય વેશભૂષામાં ગરબાના મેદાનોમાં ફરજ બજાવશે. આનો મુખ્ય હેતુ ખેલૈયાઓ સાથે ભળી જઈને સુરક્ષા પર નજર રાખવાનો છે, જેથી કોઈ અણબનાવ બને તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. આ વ્યવસ્થાથી ખેલૈયાઓ વધુ સુરક્ષિત અને નિર્ભયતાનો અનુભવ કરશે.
ટ્રાફિક પ્લાન અને હેલ્પ ડેસ્કથી ખેલૈયાઓને સુવિધા
નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી શકે તે માટે વિશેષ ટ્રાફિક પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ પ્લાન હેઠળ, ટ્રાફિકનું નિયંત્રણ મજબૂત કરવામાં આવશે જેથી ખેલૈયાઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય.
ગરબા આયોજકો સાથે પોલીસની બેઠકો
પોલીસ તંત્ર ગરબા આયોજકો સાથે સતત બેઠકો યોજી રહ્યું છે. આ બેઠકોમાં સ્થળ પરની જરૂરી સુવિધાઓ, સલામતીના મુદ્દાઓ અને અન્ય જરૂરિયાતો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. ઉપરાંત, ગરબા મેદાનોમાં પોલીસ હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવશે જેથી ખેલૈયાઓ કોઈપણ સમસ્યા કે જરૂરિયાત માટે તાત્કાલિક સંપર્ક કરી શકે.
શાંતિપૂર્ણ અને સુરક્ષિત નવરાત્રી માટે અપીલ
પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નવરાત્રી માત્ર આનંદનો તહેવાર જ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ પણ છે, તેથી સૌએ નિયમોનું પાલન કરીને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે આ ઉત્સવની ઉજવણી કરવામાં સહકાર આપવો જરૂરી છે.
