Vadodara: MSUની ટીમે વિકસાવેલું હર્બલ કોટન મચ્છરોને દૂર રાખશે, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગોથી બચાવશે

મચ્છરજન્ય રોગો વિશ્વભરમાં સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની રહ્યા છે, ત્યારે આવી ટેક્નોલોજી ઓછા ખર્ચે, સુરક્ષિત અને અસરકારક ઉકેલ પુરો પાડતી સાબિત થઈ શકે છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 28 Nov 2025 04:48 PM (IST)Updated: Fri, 28 Nov 2025 04:48 PM (IST)
vadodara-news-ms-university-researcher-develop-herbal-cottor-fab-keep-mosquitoes-away
HIGHLIGHTS
  • કુદરતી હર્બલ અર્કનો આધાર લઈને ઔષધીય ગુણધર્મ ધરાવતું કોટન ફેબ્રિક વિકસાવ્યું
  • કાપડનું મચ્છર ભગાડવા, એન્ટિમાઇક્રોબાયલ પ્રવૃત્તિ અને UV પ્રોટેક્શન માટે વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ

Vadodara: વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના સંશોધકોએ ટકાઉ ટેક્સટાઇલ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.

ટેકનોલોજી ફેકલ્ટી, ટેક્સટાઇલ કેમિસ્ટ્રી વિભાગના સંશોધકો જયંત પાટીલ (વિદ્યાર્થી), સહ-માર્ગદર્શક દેવાંગ પી. પંચાલ અને માર્ગદર્શક ડો. ભરત એચ. પટેલની ટીમે કુદરતી હર્બલ અર્કનો આધાર લઈને મચ્છર ભગાડનાર અને ઔષધીય ગુણધર્મ ધરાવતું કોટન ફેબ્રિક વિકસાવ્યું છે. આ કાપડ મચ્છરજન્ય રોગો જેવી કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ઝિકા વાયરસ સામે અસરકારક પ્રોટેક્શન પૂરુ પાડી શકે તેવું આશાસ્પદ પરિણામ સામે આવ્યું છે.

આ રિસર્ચ હેઠળ લીલી ચાહની પત્તી (Lemon Grass), લીમડો અને તુલસીના અર્કનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સંશોધનમાં પેડ-ડ્રાય-ક્યોર પદ્ધતિ અપનાવી કુદરતી સંયોજનોને કોટન ફેબ્રિક પર ટકાવી રાખવામાં આવ્યા છે. આ કાપડનું મચ્છર ભગાડવા, એન્ટિમાઇક્રોબાયલ પ્રવૃત્તિ અને UV પ્રોટેક્શન માટે વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરાયું.

જેમાં અર્કના સંયોજનથી સારવાર કરાયેલા કાપડએ 85 ટકા મચ્છર ભગાડવાની સફળતા દર્શાવી છે. આ સાથે જ કાપડ બેક્ટેરિયા સામે લડત આપવાની ક્ષમતા અને સૂર્યપ્રકાશથી થતી નુકસાની સામે રક્ષણ તરીકે સેવા આપે છે.

વિશેષતા એ છે કે, આ કાપડ પર્યાવરણને અનુકૂળ અને બાયોડિગ્રેડેબલ છે. રસાયણરહિત કુદરતી વિકલ્પ હોવાને કારણે શરીર પર કોઈ ઝેરની અસર ન હોય અને પુનર્વપરાશ લાયક હોવાથી સસ્ટેનેબિલિટીના ધોરણોને પણ સિદ્ધ કરે છે.

મચ્છરજન્ય રોગો વિશ્વભરમાં સ્વાસ્થ્ય માટે મોટો પડકાર બની રહ્યા છે, ત્યારે આવી ટેક્નોલોજી ઓછા ખર્ચે, સુરક્ષિત અને અસરકારક ઉકેલ પુરો પાડતી સાબિત થઈ શકે છે.

યુનિવર્સિટીનું માનવું છે કે, સંશોધન દ્વારા ટેક્સટાઇલ ઉત્પાદનમાં કુદરતી વિકલ્પોને પ્રોત્સાહન મળશે અને ભવિષ્યમાં બજારમાં આવા ફેબ્રિકનો વ્યાપક ઉપયોગ થઈ શકે છે. ઘરગથ્થુ વસ્ત્રો, બેબી પ્રોડક્ટ્સ, હોસ્પિટલો અને આઉટડોર ઉપકરણોમાં આ પ્રકારનું કાપડ રક્ષણાત્મક અને સ્વસ્થ વિકલ્પરૂપ બની શકે છે.

મ.સ.યુનિવર્સિટીનો આ પ્રયાસ ટેક્સટાઇલ ક્ષેત્રને નવી દિશા આપશે અને વૈશ્વિક સ્તરે સ્વચ્છ, સુરક્ષિત તેમજ ટકાઉ ફેબ્રિક ઉત્પાદન તરફનો માર્ગ પ્રશસ્ત કરશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.