Vadodara: તાંત્રિક વિધિના નામે સગીરા પર દુષ્કર્મ, માતા-પિતાને રૂમની બહાર બેસાડી દીકરીનો દેહ ચૂંથનારો પાખંડી જેલભેગો

વિધિના નામે શારીરિક શોષણથી કંટાળી સગીરાએ તાંત્રિકની કરતૂતનો પર્દાફાશ કરવા માટે પોતાના મોબાઈલમાં સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી દીધો. જે બાદ ધરમના ભાઈ મારફતે વાલીને વાકેફ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 08 Jul 2026 05:33 PM (IST)Updated: Wed, 08 Jul 2026 05:33 PM (IST)
vadodara-news-minor-girl-raped-under-the-guise-of-a-tantric-ritual
HIGHLIGHTS
  • દીકરીનો ક્રોધિત સ્વભાવ સુધારવા માટે માતા-પિતાએ અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો

Vadodara Rape Case: વડોદરામાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં તાંત્રિક વિધિના બહાને 17 વર્ષની સગીર વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હોવાની શરમનાક ઘટના સામે આવી છે. આ મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે અકોટા પોલીસે ગણતરીના કલાકોમાં જ પાખંડી તાંત્રિકની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

દીકરીનો ક્રોધિત સ્વભાવ સુધારવા માટે અંધશ્રદ્ધાનો સહારો લીધો

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરના અકોટા વિસ્તારમાં રહેતી સગીર વિદ્યાર્થિની નાની-નાની વાતોમાં ગુસ્સે થઈ જતી હતી. આથી દીકરીનો ક્રોધિત સ્વભાવ સુધારવા ચિંતિત માતા-પિતાએ અંધશ્રદ્ધાનો સહારો લીધો હતો. દીકરીના ભવિષ્ય ખાત તેઓ ગોત્રી વિસ્તારમાં રહેતા તાંત્રિક નરેન્દ્ર ભટ્ટના સંપર્કમાં આવ્યા હતા. આ પાખંડી તાંત્રિકે દીકરી પર ખરાબ છાયો હોવાનું કહીને વિધિ કરવાનું નાટક રચ્યું હતુ. 

 

માતા-પિતાને બહાર રાખીને તાંત્રિકે દીકરીને હવસનો શિકાર બનાવી 


તાંત્રિક વિધિના બહાને નરાધમ નરેન્દ્ર ભટ્ટે વિદ્યાર્થીનીના માતા-પિતાને રૂમની બહાર બેસાડી દીધા હતા. રૂમનો દરવાજો બંધ કરી, એકાંતનો લાભ ઉઠાવી આ હવસખોર પાખંડીએ ભોગ બનનાર સગીરા પર એક નહીં પરંતુ બે-બે વાર દુષ્કર્મ આચર્યું હતું. વિધિના નામે થયેલા આ અત્યાચારથી સગીરા અંદરથી ધ્રૂજી ઉઠી હતી.

ભોગ બનનારે હિંમત દર્શાવી વીડિયો શૂટ કર્યો

આ સમગ્ર મામલામાં પીડિત વિદ્યાર્થીનીએ અદ્દભૂત હિંમત અને સૂઝબૂઝનો પરિચય આપ્યો હતો. પાખંડી તાંત્રિકની કરતૂતનો પર્દાફાશ કરવા માટે તેણે પોતાના મોબાઈલ ફોનમાં આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો, જે બાદમાં આ ગુનાનો સૌથી મોટો પુરાવો બન્યો હતો.

માનેલા ભાઈની મદદથી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો

આ ભયાનક આપવીતીમાંથી બહાર આવ્યા બાદ સગીરાએ પોતાની સાથે થયેલા અન્યાયની વાત તેના એક માનેલા ભાઈને કરી હતી. હકીકત જાણીને ચોંકી ઉઠેલા ભાઈએ સગીરાને હિંમત આપી અને પરિવારને વાકેફ કર્યો. આખરે દીકરી સાથે થયેલા વિશ્વાસઘાત અને અત્યાચારથી વ્યથિત માતાએ અકોટા પોલીસ સ્ટેશનમાં હવસખોર તાંત્રિક સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.


આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને અકોટા પોલીસે તાત્કાલિક પગલાં ભર્યા હતા. પોલીસે ગોત્રીના જ્ઞાનસુધા ફ્લેટમાં દરોડો પાડી આરોપી તાંત્રિક નરેન્દ્ર ભટ્ટની ધરપકડ કરી લીધી છે. પોલીસે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી નરાધમને જેલના હવાલે કરી દીધો છે. આ ઘટનાએ સમાજમાં વ્યાપેલી અંધશ્રદ્ધા સામે ફરી એકવાર લાલબત્તી ધરી દીધી છે.