Gokuldham Society Renovation : સોની સબ ટીવી પર આવતી લોકપ્રિય કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC) છેલ્લા 17 વર્ષોથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શૉના દરેક કલાકારોએ લોકોના દિલમાં આગવું સ્થાન મેળવ્યું છે. અત્યાર સુધીમાં અનેક કલાકારોએ શૉ છોડી ચૂક્યા છે, જેને લઈને થોડા સમય માટે સીરિયલ વિવાદોમાં પણ રહી છે. આ બધા વચ્ચે ગોકુલધામ સોસાયટીએ અત્યાર સુધી દર્શકોના દિલમાં સૌથી ખાસ જગ્યા બનાવી છે.
જો કે હવે સોશિયલ મીડયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં 'ગોકુલધામ સોસાયટી'માં તોડફોડ થતી જોવા મળી રહી છે. જેના પરિણામે ફેન્સની ચિંતા વધી ગઈ છે. ગોકુલધામ સોસાયટીના સેટ પર મજૂરો કામ કરતા જોવા મળી રહ્યા છે. સમગ્ર સેટને વાંસ અને લોખંડના માંચડાથી કવર કરી દેવામાં આવ્યો છે. આથી સ્વાભાવિક ફેન્સના મનમાં એક પ્રશ્ન થાય કે, શું ખરેખર ગોકુલધામ સોસાયટીને તોડી પાડવામાં આવશે અને તારક મહેતા શૉ બંધ થઈ જશે?
ગોકુલધામ સોસાયટીને કાયમ માટે તોડી પાડવામાં આવશેઃ આસિત મોદી
આખરે શૉના પ્રોડ્યૂસર અસિત મોદીએ સામે ચાલીને ફેન્સની ચિંતા દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. આસિત મોદીએ વાયરલ વીડિયોને લઈને જણાવ્યું કે, હા ગોકુલધામ સોસાયટીને કાયમ માટે તોડી પાડવામાં આવી રહી છે. જો કે તેનો એ અર્થ નથી કે, તારક મહેતા શૉ બંધ થઈ રહ્યો છે. હકીકતમાં રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.
વધુમાં અસિત મોદીએ જણાવ્યું કે, જુઓ, જે કંઈ પણ થઈ રહ્યું છે, તે સારા માટે જ થઈ રહ્યું છે. એકવાર રિનોવેશન થઈ ગયા બાદ તમે ગોકુલધામ સોસાયટીને એક નવા અવતારમાં જોઈ શકશો. મારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે, તમને ગોકુલધામ સોસાયટીનો નવો અવતાર પસંદ પડે.

આ સાથે જ વીડિયોમાં અસિત મોદી સેટ પર ચાલી રહેલા રિનોવેશન કામની સમીક્ષા કરતાં પણ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ સેટ પર ઉપસ્થિત એન્જિનિયર, સુપરવાઈઝર અને મજૂરો સાથે વાતચીત કરી રહ્યા છે.
