Vastu Tips For Money: આપણા જીવનમાં વાસ્તુ શાસ્ત્રનું વિશેષ મહત્ત્વ છે. આથી જ ઘર બનાવવાથી માંડીને ઘરની સજાવટ સુધી દરેક કાર્યમાં વાસ્તુનું વિશેષ ધ્યાન રાખવાનું કહેવામાં આવ્યું છે. આજ કારણોસર લોકો નવું ઘર ખરીદતી વખતે કે ઘરમાં ઈન્ટીરિયર કરાવતી વખતે વાસ્તુ શાસ્ત્રનું ખાસ ધ્યાન રાખે છે.
વાસ્તુ શાસ્ત્રમાં જણાવવામાં આવેલી દિશાઓ આપણા જીવનમાં શુભ-અશુભ અસર કરતી હોય છે. એવામાં ઘરમાં રાખવામાં આવેલો દરેક સામાન વાસ્તુના નિયમો અનુસાર હોય, તો જીવનમાં આવનારા સંકટોથી બચી શકાય છે.
આવી જ એક વસ્તુ છે, આપણા ઘરમાં રહેલ કબાટ અર્થાત તિજોરી, કારણ કે અહીં જ ધનની દેવી માઁ લક્ષ્મી તેમજ ધનના દેવતા કુબેરનો વાસ હોવાનું માનવામાં આવે છે. આજ કારણોસર તિજોરીની દિશાથી માંડીને તેની આસપાસ રાખવામાં આવેલી દરેક વસ્તુઓ આપણી આર્થિક સ્થિતિને સીધી અસર કરે છે.
આપણામાંથી ઘણાં લોકો જાણકારીના અભાવે તિજોરી કે કબાટની ઉપર કેટલીક એવી વસ્તુઓ મૂકી દેતા હોય છે, જેના પરિણામે ઘરની સકારાત્મક ઉર્જા ત્યાં જ દબાઈ જતી હોય છે. જેના પરિણામે ઘરમાં પૈસો આવે છે જરૂર પરંતુ ટકતો નથી. આખરે વ્યક્તિ દેવાના ડુંગર તળે દબાતો જાય છે. આથી જો તમે પણ ઈચ્છો કે, ઘરમાં આવેલો પૈસો ટકે અને આર્થિક સ્થિતિ સતત મજબૂત બનતી રહેલ તો તમારે તિજોરી ઉપર રહેલી આ વસ્તુઓને આજે જ હટાવી દેવી જોઈએ.
લોખંડનો ભંગાર કે ઓજારઃ આજકાલ નાના ઘરોમાં તિજોરી ઉપરની ખાલી જગ્યાનો લોકો રોજિંદા ઉપયોગમાં ના લેવાતી હોય, તેવી વસ્તુઓ મૂકવા માટે કરતાં હોય છે. ઘણાં લોકો તો તિજોરી ઉપરની ખાલી જગ્યામાં જૂનો ભંગાર, લોખંડના સાધનો મૂકી રાખતા હોય છે. જો કે વાસ્તુમાં તિજોરી ઉપર વજનદાર વસ્તુઓ રાખવી સૌથી મોટો દોષ ગણાય છે. જે ધનના પ્રવાહને અટકાવે છે અને ઘરમાં બરબાદીને આમંત્રણ આપે છે.
સૂટકેસ કે પટારોઃ મોટાભાગે પ્રવાસમાં જતી વખતે ઉપયોગમાં લેવામાં આવતી સૂટકેસ કે પછી લગ્નના વહેવારમાં આવેલા પટારા લોકો તિજોરીની ઉપર રહેલી ખાલી જગ્યામાં ગોઠવી દેતા હોય છે. વાસ્તુની દ્રષ્ટિએ તેને શુભ નથી માનવામાં આવતું. આમ કરવાથી વેપાર-ધંધા અને નોકરીમાં પ્રગતિના અવસરમાં અવરોધ ઉભા થાય છે.
મેડિકલ કિટ, દવાઓ અને દવાના બિલની ફાઈલઃ અનેક લોકો તિજોરી ઉપર રોજિંદા ઉપયોગમાં લેવાતી દવાઓ રાખતા હોય છે.આ સિવાય મેડિકલ કિટ કે પછી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનની ફાઈલ કે બિલોની ફાઈલ મૂકતા હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, ધન રાખવાની જગ્યાએ કે તેના ઠીક ઉપર આવી વસ્તુઓ રાખવાથી ઘરમાં આવતો પૈસો બીમારીઓ પાછળ તેમજ કોર્ટ-કચેરીના ચક્કરમાં ખર્ચાવા લાગે છે.
જૂતા-ચંપલ કે જૂના કપડાઃ તિજોરી સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ મનાય છે. આથી તિજોરી ઉપર આસપાસ ગંદા વસ્ત્રો, જૂના જૂતા-ચંપલ રાખવો ધનની દેવીનો અનાદર માનવામાં આવે છે. જેનાથી ઘરમાં નકારાત્મક એનર્જી વધે છે અને બનેલી બાજી બગડવા માંડે છે.
બંધ ઘડિયાળ અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓઃ બગડી ગયેલા ચાર્જર અને મોબાઈલ, જૂની બંધ પડેલી ઘડિયાળ તેમજ ઠપ્પ થયેલો કોઈ પણ ઈલેક્ટ્રિક સામાન તિજોરી ઉપર રાખવો વાસ્તુ દોષ પેદા કરે છે. જે બિનજરૂરી ખર્ચા ઉપરાંત માનસિક તણાવનું કારણ બને છે.
તિજોરીનો વાસ્તુ દોષ દૂર કરવાના ઉપાયઃ તિજોરી કે કબાટના ઉપરનો ભાગ હંમેશા ખાલી અને સ્વચ્છ રાખવો જોઈએ. તિજોરી ઉપર કોઈ પણ પ્રકારનું વજન ના રાખશો, જેથી સકારાત્મક એનર્જીનો સંચાર થઈ શકે છે. આ સિવાય તિજોરીની અંદર એક નાનો અરિસો એવી રીતે લગાવવો જોઈએ કે, તિજોરી ખોલતા જ ધનનું પ્રતિબિંબ તેમાં દેખાય. આમ કરવાથી ધન ઝડપથી વધે છે.
