TMKOC: ‘તારક મહેતા શો’ માં પોપટલાલના લગ્ન થશે કે પછી ફરી અટકશે વાત? અસિત મોદીએ આપ્યો જવાબ

TMKOCમાં પોપટલાલના લગ્નને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. જમ્મુ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અસિત કુમાર મોદીએ પોપટલાલના લગ્ન અને દયા ભાભીના કમબેક અંગે વાત કરી હતી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 01 Oct 2026 03:33 PM (IST)Updated: Thu, 01 Oct 2026 03:33 PM (IST)
tmkoc-will-popatlal-finally-get-married-producer-asit-kumarr-modi-breaks-silence

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના પોપટલાલના લગ્નનો ટ્રેક એવો મુદ્દો છે, જે શોના ચાહકોને વર્ષોથી ઉત્સુક રાખે છે. પોપટલાલનું પાત્ર જ્યારે પણ લગ્નની નજીક પહોંચે છે ત્યારે કોઈને કોઈ વળાંક આવી જાય છે અને વાત ફરી અટકી જાય છે. હવે નિર્માતા અસિત કુમાર મોદીએ પોપટલાલના લગ્ન અંગે કરેલી વાત બાદ આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.

પોપટલાલના લગ્ન અંગે શું બોલ્યા અસિત મોદી?

જમ્મુ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન અસિત કુમાર મોદીને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના લોકપ્રિય પાત્ર પોપટલાલના લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જોકે, તેમણે પોપટલાલના લગ્ન ક્યારે થશે અથવા આગામી એપિસોડમાં લગ્નનો ટ્રેક આવશે કે નહીં તેની કોઈ ચોક્કસ જાહેરાત કરી નથી.

અસિત મોદીએ આ સવાલનો જવાબ આપવાની સાથે દર્શકોની પસંદગીનો મુદ્દો પણ સામે રાખ્યો. તેમના જણાવ્યા પ્રમાણે, પોપટલાલના લગ્નને લઈને દર્શકોના અભિપ્રાય એકસરખા નથી. કેટલાક ચાહકો તેને લગ્ન કરતા જોવા માંગે છે, જ્યારે કેટલાકને પોપટલાલનું કુંવારા પાત્ર જ વધુ રસપ્રદ લાગે છે.

અસિત મોદીએ હળવા અંદાજમાં એવું પણ કહ્યું કે અંદાજે અડધા દર્શકો પોપટલાલના લગ્નની તરફેણમાં છે, જ્યારે બાકીના લોકો તેને કુંવારો જ જોવા ઈચ્છે છે. એટલે પોપટલાલને લગ્ન કરાવવાનો નિર્ણય માત્ર સ્ટોરીનો ભાગ નથી, પરંતુ દર્શકોની પસંદગી સાથે પણ જોડાયેલો છે.

શોમાં અનેક વખત આવી ચૂક્યો છે લગ્નનો વળાંક

પોપટલાલનું પાત્ર લાંબા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે જોડાયેલું છે. તેની લગ્ન કરવાની ઉતાવળ અને દરેક વખતે બનતી ગોટાળાભરી પરિસ્થિતિઓ શોના અનેક કોમેડી ટ્રેકનો હિસ્સો રહી છે.

પોપટલાલને જ્યારે કોઈ યુવતી પસંદ આવે છે ત્યારે તે લગ્નના સપના જોવા લાગે છે. ગોકુલધામ સોસાયટીના સભ્યો પણ ઘણી વખત તેની મદદ માટે આગળ આવે છે. પરંતુ અંતે કોઈ નવી મુશ્કેલી ઊભી થતાં લગ્નની વાત અધૂરી રહી જાય છે. આ કારણે પોપટલાલનું લગ્ન જીવન શોના ચાહકો માટે લાંબા સમયથી એક મોટો સવાલ બની રહ્યું છે.

દયા ભાભીના કમબેક પર પણ નજર

આ જ વાતચીત દરમિયાન ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા ભાભીના પાત્રના કમબેક અંગે પણ ચર્ચા થઈ હતી. તાજેતરના અહેવાલ મુજબ, દયા ભાભીના પાત્ર માટે યોગ્ય કલાકારની શોધ અંગે વાત કરવામાં આવી છે, પરંતુ કમબેકની કોઈ ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.

હાલમાં એટલું જ કહી શકાય કે પોપટલાલના લગ્નને લઈને મેકર્સ તરફથી કોઈ અંતિમ જાહેરાત સામે આવી નથી. એટલે ચાહકોને હજુ રાહ જોવી પડશે કે પોપટલાલ આખરે લગ્નના બંધનમાં બંધાશે કે પછી તેનું કુંવારા પાત્ર જ આગળ પણ શોની કોમેડીનો મહત્વનો ભાગ રહેશે.