Vadodara: કહેવાય છે ને કે ‘જ્યાં સંવેદના હોય ત્યાં જ ઉકેલ હોય છે’. ગુજરાત સરકારની ‘છેવાડાના માનવી’ સુધી પહોંચવાની અને શિક્ષણને સર્વોપરી ગણવાની નેમ વડોદરામાં ચરિતાર્થ થતી જોવા મળી.
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના વડોદરા પ્રવાસ દરમિયાન એક એવી ઘટના બની, જેણે સરકારના માનવીય અભિગમ અને તંત્રની તત્પરતાનો પરિચય કરાવ્યો. આર્થિક વિટંબણાઓના કારણે જેણે શિક્ષણની આશા છોડી દીધી હતી, તેવી એક દીકરીને મંત્રીના હસ્તક્ષેપથી ફરી કલમ પકડવાની તક મળી છે.
વાત એવી છે કે, મંત્રી રિવાબા જાડેજા વડોદરા સ્થિત ‘કવિ દુલા કાગ પ્રાથમિક શાળા’ની મુલાકાતે હતા, ત્યારે મંત્રી સાથે સંવાદ દરમિયાન એક બાળકીની આંખો છલકાઈ આવી. મંત્રીએ આ બાળકીની પાસે જઈ અત્યંત આત્મીયતાથી તેની વ્યથા પૂછી. બાળકીએ રુદન સાથે જણાવ્યું કે, તેની મોટી બહેન ભણવામાં તેજસ્વી હોવા છતાં, ઘરની આર્થિક અને પારિવારિક પરિસ્થિતિ નબળી હોવાથી તેણે ધોરણ-8 પછી અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડ્યો છે.
તમારી દીકરીનું ભણતર એ હવે સરકારની જવાબદારીઃ રિવાબા જાડેજા
આ વાત સાંભળતા જ મંત્રીનું હૃદય દ્રવી ઉઠ્યું. વિલંબ કર્યા વગર તેઓ જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારી સહિતના અધિકારીઓ સાથે સીધા જ શાળાની નજીક આવેલા VUDAના આવાસમાં તે વિદ્યાર્થિનીના ઘરે પહોંચ્યા.
6 દીકરીઓ અને એક દીકરો એમ સાત સંતાનોના મોટા પરિવારની જવાબદારી અને આર્થિક ભીંસને કારણે આ પરિવારે પોતાની વહાલી દીકરીને ભણાવવાનું માંડી વાળ્યું હતું. મંત્રીએ દીકરીની માતા સાથે તલસ્પર્શી ચર્ચા કરી અને ‘તમારી દીકરીનું ભણતર એ હવે સરકારની જવાબદારી છે’ તેમ કહીને દીકરીને ફરી ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યા.
રિવાબા જાડેજાએ વાત્સલ્યસભર અને આત્મીયતાથી માત્ર પૃચ્છા કરી કે સાંત્વના જ આપી એમ નહીં, પરંતુ સ્થળ પર જ શિક્ષણનું સમાધાન પણ આપ્યું. આ દીકરીનું ભણતર કોઈ પણ સંજોગોમાં અટકવું ન જોઈએ, તેમ કહીને જિલ્લા શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને સૂચના આપી.
મંત્રીની સંવેદના અને સક્રિયતાના કારણે મધ્યસ્થીથી વિદ્યાર્થિનીને લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં ધોરણ-9માં તાત્કાલિક પ્રવેશ મળ્યો. આ તકે રિવાબા જાડેજાએ પ્રતીકાત્મક રૂપે દીકરીને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કિટ અર્પણ કરીને પ્રોત્સાહિત કરી હતી. આ સાથે જ ધોરણ-12 સુધીનું શિક્ષણ અને તમામ શૈક્ષણિક સામગ્રી નિઃશુલ્ક મળી રહે ઉપરાંત દીકરીને શાળાએ જવા-આવવા માટે પરિવહન સુવિધાનો લાભ ફરજિયાતપણે આપવા જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી હતી.
આ દીકરી માત્ર પ્રવેશ મેળવીને અટકી ન જાય, પરંતુ તેની કારકિર્દી ઘડાય તે માટે મંત્રીએ એક વિશેષ આદેશ કર્યો છે. તેમણે જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના આપી હતી કે, આ વિદ્યાર્થિનીની શૈક્ષણિક પ્રગતિનું સતત 'ટ્રેકિંગ' કરવામાં આવે અને સમયાંતરે તેનો રિપોર્ટ મંત્રીની કચેરીને સોંપવામાં આવે.
આ ઘટના એ વાતની પ્રતીતિ કરાવે છે કે, ગુજરાત સરકાર માટે શિક્ષણ એ માત્ર આંકડાકીય લક્ષ્યાંક નથી, પણ દરેક દીકરીના સપનાને સાકાર કરવાની પ્રતિબદ્ધતા છે.
રાજ્યમંત્રી રિવાબા જાડેજાના આ સંવેદનશીલ અભિગમ અને ત્વરિત નિર્ણયશક્તિથી વડોદરાના આ ગરીબ પરિવારના આંગણે આજે ખુશીનો માહોલ છે. ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સૂત્રને સાર્થક કરતા આ કિસ્સાએ સાબિત કર્યું છે કે, જ્યારે શાસન અને સંવેદના એકાકાર થાય છે, ત્યારે વંચિતોના જીવનમાં નવો ઉજાસ પથરાય છે.
