Vadodara: દેશના આર્થિક પાટનગર ગણાતા મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી મરાઠી અને બિન મરાઠી ભાષાને લઈને વિવાદ વકર્યો છે. ખાસ કરીને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકર્તાઓ હિન્દી ભાષી અને મુંબઈમાં વસતા ગુજરાતી બોલતા વેપારીઓને મરાઠી બોલવા માટે દબાણ કરતા હોવાનો અને તે માટે દાદાગીરી કરતા હોવાના વીડિયો સામે આવ્યા છે. એવામાં વડોદરાના મહેમાન બનેલા દિગ્ગજ અભિનેતા મનોજ જોશીએ રાજ ઠાકરેનું નામ લીધા વિના ભાષા એકતાનો સંદેશ આપ્યો છે.
હકીકતમાં વડોદરાની પારૂલ યુનિવર્સિટી ખાતે 19 થી 22 ઓગસ્ટ સુધી નાટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવનો હેતુ કલાત્મક અભિવ્યક્તિના પ્રમુખ સ્વરૂપ મહારાજા સયાજીરાવ ગાયકવાડના દૂરંદેશી દ્રષ્ટિકોણને અનુસરતા થિયેટર અને પર્ફોર્મિંગ આર્ટસના સંવર્ધન, પ્રોત્સાહન અને પુનર્જીવન કરવાનો છે. આ ઉદઘાટન પ્રસંગે વરિષ્ઠ અભિનેતા અને પ્રસિદ્ધ થિયેટર કલાકાર પદ્મશ્રી મનોજ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા.
નાટ્ય મહોત્સવમાં પ્રાણને શખર સુમન અને ગીતિકા ત્યાગી દ્વારા 'એક મૂલાકાત', રાકેશ બેદીનું 'મસાજ' તેમજ રાજેન્દ્ર ગુપ્તા અને હિમાની શિવપુરીનું 'જીના ઇસી કા નામ હૈ' સહિતના નાટકો રજૂ થશે. લોકપ્રિય કલાકારોની સાથે ઉભરતા કલાકારોને મંચ આપવા માટે પણ આ મહોત્સવ ખાસ ગણાય છે. આ નાટ્ય મહોત્સવ વડોદરાની સાંસ્કૃતિક જીવનશૈલીને નવી ઊર્જા આપશે અને કલા, વાર્તા તથા રચનાત્મકતાનું અનોખું મંચ પૂરું પાડશે.
હિન્દી મારી રાજભાષા છે, દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ
મનોજ જોશીએ તાજેતરના મહારાષ્ટ્રના ભાષા વિવાદ અંગે સ્પષ્ટ નિવેદન આપતા જણાવ્યું કે, ભારતીય સંવિધાન કોઈપણ ભાષા પ્રત્યે નફરત કરવાનું નથી શીખવાડતું. અમારી સંપ્રભુતા અને અખંડિતતા અબાધિત રહે તે માટે સંવિધાન દરેક ભાષા, જાતિ અને સંસ્કૃતિના સન્માનની વાત કરે છે. કોઈપણ જાતિવાદ, ભાષાવાદ કે વર્ણવાદને સંવિધાન ક્યારેય સમર્થન આપતું નથી.
હિન્દી વિષે મનોજ જોશીએ જણાવ્યું, હિન્દી મારી રાજભાષા છે, એ દેશની બિંદી છે. દેશના મોટાભાગના લોકો હિન્દી સમજે છે, પરંતુ એ સાથે દરેક ભાષાનું સન્માન કરવું જોઈએ. અમારી વિવિધતામાં એકતા છે અને આ એકતા અખંડિત રાખવી દરેક નાગરિકનું કર્તવ્ય છે.
