Jagdish Vishwakarma Vadodara visit: ગુજરાતમાં માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનો માહોલ જામ્યો છે. વડોદરા ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ત્યારબાદ માંજલપુરમાં એક વિશાળ જાહેરસભા યોજાઈ અને ઉત્સાહભેર વિજય વિશ્વાસ બાઈક રેલી કાઢવામાં આવી, જે જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી. કલેક્ટર કચેરી ખાતે જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાંભાજપના ઉમેદવાર સતિષ પટેલેઉમેદવારીપત્ર દાખલ કર્યું હતું.
સ્વ. યોગેશભાઈ પટેલને સાચી શ્રદ્ધાંજલિ
જાહેરસભાની શરૂઆતમાં જ મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનોએ સ્વ. યોગેશભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિશાળ જનમેદનીને સંબોધતા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ હુંકાર કરતા જણાવ્યું કે, માંજલપુર પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલનો જંગી બહુમતીથી વિજય એ સ્વ. યોગેશભાઈ પટેલને સાચા અર્થમાં શ્રધ્ધાંજલિ હશે.

સ્વ. યોગેશ પટેલને યાદ કરતા જગદીશ વિશ્વકર્માએ વધુમાં કહ્યું કે, સ્વ. યોગેશભાઈએ એક સામાન્ય કાર્યકર્તાથી શરૂઆત કરીને સતત આઠ વખત લોકોનો અતુટ વિશ્વાસ પ્રાપ્ત કર્યો હતો. તેમણે અંતિમ શ્વાસ સુધી પ્રજાની વચ્ચે રહી લોકસેવાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સામાન્ય કાર્યકર્તાઓને તક આપતી પાર્ટી
જગદીશ વિશ્વકર્માએ સંગઠનનું મહત્વ સમજાવતા કહ્યું કે, ભાજપ એ ‘Party with a difference’ છે. કારણ કે, આ એવો પક્ષ છે જ્યાં કોઈપણ સામાન્ય કાર્યકર્તા પોતાના પરિશ્રમ, સેવા, સમર્પણ અને સંગઠન પ્રત્યેની નિષ્ઠાના બળે આગળ વધી શકે છે. સતિષ પટેલ તેનું જીવંત ઉદાહરણ છે, તેમને વહીવટી કામગીરીનો બહોળો અનુભવ છે અને કોઈ પણ અપેક્ષા વિના પક્ષ માટે વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે.

વિકાસયાત્રાને આગળ વધારવા આહવાન
પ્રદેશ અધ્યક્ષે કાર્યકર્તાઓને અપીલ કરી કે, તેઓ સંપૂર્ણ સમર્પણ સાથે ઘર-ઘર સુધી પહોંચી વધુમાં વધુ મતદાન સુનિશ્ચિત કરે અને કમળનો વિજય કરાવે. આ ઉપરાંત તેમણે એમ પણ કહ્યું કે, દિવસ-રાત કે તડકો-છાંયડો જોયા વિના કામ કરતા કાર્યકર્તાઓ જ ભાજપની સૌથી મોટી તાકાત છે.

આ પ્રસંગે ભાજપ ઉમેદવાર સતિષ પટેલે પણ માંજલપુરની જનતાને અપીલ કરી કે, તેઓ સ્વ. યોગેશભાઈના અધૂરા સંકલ્પને પૂર્ણ કરવા અને ક્ષેત્રના વિકાસ માટે સતત કાર્યરત રહેશે. આ ભવ્ય કાર્યક્રમમાં વડોદરા ભાજપ અધ્યક્ષ, મંત્રી રમણ સોલંકી અને મનીષાબેન વકીલ, વડોદરાના મેયર સહિત અનેક નેતાઓ અને જનમેદની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
