'તું મારી નહીં થાય તો તને બીજાની પણ નહીં થવા દઉ, બન્નેને મારી નાંખીશ'- વડોદરામાં એકતરફી પ્રેમમાં ભાન ભૂલેલા યુવકની લુખ્ખી ધમકી

વડોદરામાં એકતરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીને સતત હેરાન કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી. યુવતીએ મિત્ર સાથે જતી વખતે યુવક દ્વારા ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાવી, પોલીસે તપાસ શરૂ કરી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 29 Jul 2026 06:09 PM (IST)Updated: Wed, 29 Jul 2026 06:09 PM (IST)
vadodara-news-man-stalking-threatens-woman-in-onesided-love

Vadodara: વડોદરા શહેરમાં એકતરફી પ્રેમમાં ભાન ભૂલેલા યુવક દ્વારા યુવતીની સતત હેરાનગતિ અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી યુવતી પર સંબંધ રાખવા માટે સતત દબાણ કરતા અને પીછો કરતા યુવકની પજવણીથી કંટાળીને આખરે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


'તું કોઈની સાથે વાત કરીશ, તો તારી સાથે એને પણ મારી નાંખીશ'

વાઘોડિયા રોડ પર રહેતી અને અગાઉ આઉટ સોર્સમાં નોકરી કરતી યુવતીને વાઘોડિયા રોડ પર આવેલી અમી દર્શન સોસાયટીમાં રહેતો જીગર ઉર્ફે જેકી અરવિંદભાઈ રોહિત સતત પજવણી કરતો હતો. દુકાનો ભાડે આપવાનો ધંધો કરતો આરોપી જેકી અવાર-નવાર યુવતીને મોબાઇલ ફોન પર મેસેજ કરીને તેની સાથે રિલેશનશિપ રાખવા માટે અયોગ્ય દબાણ કરતો હતો.

યુવતીએ વારંવાર સ્પષ્ટ ના પાડી હોવા છતાં આરોપીની હરકતો બંધ થઈ ન હતી. તે સતત યુવતીનો પીછો કરતો હતો અને એવી ધમકી આપતો હતો કે. તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને કોઈ બીજાની પણ થવા દઉં નહીં. તું જેની સાથે પણ વાત કરીશ તેને અને તને બંનેને મારી નાખીશ.

આ દરમિયાન ગઇકાલે બપોરે યુવતી વાઘોડિયા રોડ ભૈરવનગરના નાકા પાસેથી પોતાના મિત્ર સાથે પસાર થઈ રહી હતી. તે સમયે અચાનક આવી પહોંચેલા આરોપી જીગરે બંનેને આંતરીને ગંદી ગાળો આપી હતી અને યુવતીના મિત્રને જાનથી મારી નાખવાની સીધી ધમકી આપી હતી.

આ બનાવ બાદ કંટાળેલી યુવતીએ હિંમત દાખવીને પોલીસનો સંપર્ક કર્યો હતો. યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેને નોટિસ આપી આગળની તપાસ શરૂ કરી છે.