Vadodara: પરિવાર અને સમાજની મરજી વિરુદ્ધ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતી પર તેના જ સમાજના 18 જેટલા લોકોએ અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ અંગે યુવતીની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે 18 હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પીડિત યુવતીએ ગત 27 ફેબ્રુઆરી 2026ના રોજ પરિવારની મરજી વિરુદ્ધ અન્ય જ્ઞાતિના યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંને દંપતી બહાર રહેતા હતા. આ દરમિયાન યુવતીના દાદી સાસુ વધુ બીમાર હોવાથી ગત 16 જુલાઈના રોજ દંપતી સાસરીમાં આવ્યું હતું. ગત 23મી જુલાઈના રોજ દાદી સાસુનું અવસાન થયું હતું.
આ પણ વાંચો
ગત 26મી જુલાઈના રોજ સવારે સાડા અગિયાર વાગ્યાના સુમારે યુવતી અને તેનો પતિ પરિવાર સાથે ઘરની બહાર બેઠા હતા. આ સમયે ઘર નજીકના મેદાનમાં અવાજ આવતા પરિવારજનો ત્યાં જોવા ગયા હતા. આ દરમિયાન અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યાની અદાવત રાખીને પરેશ રબારી તથા અન્ય 17 લોકો હાથમાં લાકડીઓ સાથે ત્યાં ધસી આવ્યા હતા.
પરેશ રબારી નામના શખ્સે યુવતી પર લાકડી વડે હુમલો કરવા દોડી ઝપાઝપી કરી હતી અને તેનો હાથ પકડીને સાડી ફાડી નાખી હતી. આ ઘર્ષણ દરમિયાન યુવતીના જેઠ વચ્ચે પડતા યુવતી પોતાનો જીવ બચાવીને ઘરે ભાગી ગઈ હતી. આરોપીઓએ યુવતી અને તેના પરિવારને બિભત્સ ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી.
યુવતીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા. આ બનાવ અંગે યુવતીની ફરિયાદના આધારે નવાપુરા પોલીસે પરેશ રબારી, અક્ષય, ભાવેશ, પ્રિતેશ, રાહુલ, મિતેશ, જૈમિન, સંજય, અજય, નિકુલ, કનુ, દિપક, વિષ્ણુ, ભાવેશ, જેઠા, નરેશ, ધ્રુવ તથા ભુરીયો નામના 18 શખ્સો સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
