Vadodara News: વડોદરાની દિવાળીપુરા કોર્ટ પરિસરમાં પોલીસકર્મી પર હુમલાની ઘટના સામે આવી છે. પત્ની સાથેના ડાયવોર્સ કેસની તારીખ માટે કોર્ટમાં આવેલા કેનેડા થી પરત ફરેલા એક યુવકે કોર્ટરૂમની અંદર જ જજ સમક્ષ ઉગ્ર હોબાળો મચાવ્યો હતો અને ફરજ પર હાજર પોલીસકર્મીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવને પગલે ન્યાયિક સંકુલમાં થોડીવાર માટે ભારે દોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, માંજલપુર પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. મનોજભાઈ અને હેડ કોન્સ્ટેબલ નીતિન શાહ પોતાની ડ્યુટી પર હાજર હતા. પત્ની સાથેના છૂટાછેડાના કેસની સુનાવણી માટે ગૌરાંગ કિરીટકુમાર પટેલ નામના યુવક કોર્ટમાં આવ્યો હતો. કોર્ટરૂમની અંદર કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન આ યુવક બેફિકરાઈથી પગ પર પગ ચઢાવીને બેઠો હતો. કોર્ટની મર્યાદા અને શિસ્ત જાળવવા માટે પોલીસ જવાને તેને યોગ્ય રીતે બેસવાની ટકોર કરી હતી.
આ સામાન્ય ટકોરથી ઉશ્કેરાયેલા યુવકે પોલીસકર્મીઓ સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી દીધી હતી અને જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જજ સમક્ષ જ આરોપી યુવકે પોલીસકર્મીઓ સાથે ઝપાઝટી અને ઘર્ષણ કર્યું હતું. આ હુમલા દરમિયાન યુવકે ઉશ્કેરાઈને પોલીસકર્મીના યુનિફોર્મ પરના સ્ટાર તોડી નાખ્યા હતા અને તેમની આંખોને નુકસાન પહોંચાડવાનો ગંભીર પ્રયાસ પણ કર્યો હતો. કોર્ટરૂમમાં જ પોલીસ પર હુમલો થવાથી ભારે અફરાતફરી સર્જાઈ હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અકોટા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને હોબાળો મચાવનાર યુવક ગૌરાંગ પટેલની અટકાયત કરી કાયદેસરની ધરપકડ કરી હતી. બીજી તરફ, આ સમગ્ર ઘટના બાદ યુવકના પરિવારજનો દ્વારા ચોંકાવનારી માહિતી સામે આવી છે. પરિવારના જણાવ્યા અનુસાર, આરોપી યુવક ગૌરાંગ લાંબા સમયથી માનસિક અસ્થિરતાથી પીડાઈ રહ્યો છે અને હાલ તેની તબીબી સારવાર પણ ચાલી રહી છે. એટલું જ નહીં, આ યુવક કોર્ટમાં માત્ર પોતાના કેસ માટે નહીં પરંતુ અગાઉ આતંકવાદીઓ વિરુદ્ધ પણ વિચિત્ર અરજીઓ કરવા માટે પહોંચ્યો હતો અને અગાઉ પણ અસંગત વર્તન કર્યું હતું.
કોર્ટ રૂમ જેવા સુરક્ષિત સ્થળે ન્યાયાધીશની હાજરીમાં જ પોલીસકર્મીઓ પર થયેલા આ હુમલાને કારણે પોલીસ બેડામાં રોષ તેમજ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હાલ અકોટા પોલીસે યુવકની માનસિક સ્થિતિ અને તેના સમગ્ર ભૂતકાળને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા કર્યા છે.
