પ્રશાંત ગજ્જર, Vadodara News: ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા માટે પોલીસ તંત્ર સતત સતર્ક રહે છે, તેમ છતાં કેટલાક તત્વો કાયદાનો ડર રાખ્યા વિના સોશિયલ મીડિયા પર રોફ જમાવવા જતાં મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર જાહેરમાં બેસીને બીયર પીતા ત્રણ શખ્સોનો વીડિયો વાયરલ થતાં મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં જ તપાસનો ધમધમાટ શરૂ કરી ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
બીયરની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
આ પણ વાંચો
ઘટનાની મળતી વિગતો અનુસાર, ગત તારીખ 17 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. આ વીડિયોમાં ત્રણ ઈસમો એકસાથે બેસીને બિન્દાસ્તપણે બીયરની મહેફિલ માણતા નજરે પડતા હતા. આ વાયરલ વીડિયો ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા, આ મામલે તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ કરીને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા માટે મકરપુરા પોલીસ સ્ટેશનને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી.
વીડિયો વાયરલ થતાં પોલીસે તપાસ હાથ ધરી
ઉપરી અધિકારીઓની સૂચના મળતાની સાથે જ મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ એક્શનમાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના નેટવર્કની મદદથી વાયરલ વીડિયોની સત્યતા અને લોકેશનની તપાસ હાથ ધરી હતી. ઝીણવટભરી તપાસના અંતે આ વીડિયો વડોદરાના તરસાલી વિસ્તારનો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ પોલીસે વીડિયોમાં દેખાતા ત્રણેય શખ્સોની ઓળખ પ્રસ્થાપિત કરીને તેમના રહેઠાણ અને આસપાસના વિસ્તારોમાં તપાસ તેજ કરી હતી.
વીડિયોમાં દેખાતા ત્રણેય શખ્સોને શોધી કાઢ્યા
પોલીસે સચોટ બાતમીના આધારે દરોડો પાડીને વીડિયોમાં દેખાતા ત્રણેય શખ્સોને શોધી કાઢ્યા હતા. પોલીસ તપાસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ ત્રિલોકસિંઘ આનંદસિંઘ સરદાર, ગુરુચરણસિંગ ત્રિલોકસિંગ સરદાર અને કરણસિંઘ ગુરુદાસસિંઘ સરદાર તરીકે થઈ છે. પોલીસે જ્યારે આ ત્રણેયને ઝડપી પાડ્યા ત્યારે તેમની પાસેથી દારૂ કે બીયરનો કોઈ મુદ્દામાલ મળી આવ્યો ન હતો, પરંતુ ત્રણેય શખ્સો નશાની એટલે કે કેફી પીણું પીધેલી હાલતમાં જણાઈ આવ્યા હતા.
પોલીસે પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈ અધિકૃત પાસ કે પરમિટ છે કે કેમ તે અંગે પૂછતા, તેઓ કોઈ પણ પ્રકારની પરમિટ રજૂ કરી શક્યા ન હતા. પરિણામે, મકરપુરા પોલીસે ત્રણેય ઈસમોની અટકાયત કરીને તેમની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે કરેલી આ ત્વરિત કામગીરીથી નશો કરીને વીડિયો બનાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
