કરજણના ગણપતપુરા ગામે કૂવાની ઓરડી બહાર ગળે ફાંસો ખાઈ પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું, બન્ને યુવક-યુવતી મધ્ય પ્રદેશના હોવાનું બહાર આવ્યું

સમાજ પોતાનો પ્રેમ નહીં સ્વીકારે તો, એક સાથે જીવી નહીં શકાય તેવા ડરથી ખેતરમાં બંનેએ એક જ દોરડે જીવનનો અંત આણ્યો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 May 2026 04:32 PM (IST)Updated: Sat, 16 May 2026 04:32 PM (IST)
vadodara-news-madhya-pradesh-lover-commit-suicide-by-hang-them-self-at-ganpatpura-village-of-karjan
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • પરપ્રાંતિય પ્રેમી યુગલ મજૂરી અર્થે આવ્યું હોવાનું અનુમાન

Vadodara: વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગણપતપુરા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગામમાં આવેલા એક ખેતરના કૂવાની બંધ ઓરડીની બહાર એક પ્રેમી યુગલે એકસાથે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

સમાજ અને પરિવારના ડરથી એકબીજા સાથે લગ્ન નહીં કરી શકાય અને સાથે જીવી શકાશે નહીં તેવી ભીતિ વચ્ચે આ યુવાન જોડાએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સમાજની બીકે પરપ્રાંતિય પ્રેમી યુગલનું અંતિમ પગલું

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ગણપતપુરા ગામના રામજી મંદિર નજીક રહેતા ચેતન ભટ્ટ (43) નામના ખેડૂતે ઝાડ પર યુવક અને યુવતીની લટકતી લાશ જોતા કરજણ પોલીસને જાણ કરી હતી. જે બાદ ઘટના સ્થળે આવી પહોંચેલી પોલીસે બન્નેના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ મધ્ય પ્રદેશના જીરણ ગામનો જોગડા (19) અને કળમાજા ગામની સંજના (18) તરીકે થઈ છે. આ પરપ્રાંતિય પ્રેમી યુગલ અહીં મજૂરી અર્થે આવ્યા હોવાનું અનુમાન છે.

બન્ને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા અને સાથે જીવવા-મરવાના કોલ દીધા હતા. જો કે સમાજ તેમનો પ્રેમ નહીં સ્વીકારે, તો તેઓ એકબીજા વિના જીવી નહીં શકે, તેવો ડર મનમાં ઘર કરી ગયો હતો. આ હતાશા અને સામાજિક લોકલાજના ભયથી આખરે બન્નેએ સાથે જ ફાનિ દુનિયા છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. આખરે ગણપતપુરા ગામની સીમમાં આવેલા ચેતન ભટ્ટના ખેતરમાં પહોંચીને કૂવા નજીક બંધ ઓરડીની બહારના ભાગે સજોડે ગળા ફાંસો ખાઈ લીધો હતો.

હાલ તો કરજણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે, તેમજ મૃતકના વાલી વારસોને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.