Vadodara News: આરાધના અને ઉત્સવના પર્વ નવરાત્રીની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરામાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ગરબા મહોત્સવને એક ઉમદા સામાજિક કાર્ય સાથે જોડવામાં આવ્યો છે. શહેરના છાણી વિસ્તારમાં આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટ ખાતે આયોજિત ગરબામાંથી થનારી સમગ્ર આવક રાજકોટ નજીક અમરેલી ગામમાં બની રહેલી અદ્યતન કેન્સર હોસ્પિટલના નિર્માણમાં વાપરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
છાણીના સપ્તપદી પાર્ટી પ્લોટ ખાતે ધ્વનિ ગ્રુપના ગાયિકા ફાલ્ગુનીબેન ભેંસાણિયા અને ધ્વનિ ભેંસાણિયાના સૂર-તાલ પર ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમી રહ્યા છે. પરંપરાગત ગરબા અને સંગીતની રમઝટ સાથે અહીં રમાતા ગરબામાં માત્ર ઉત્સવનો આનંદ જ નથી, પરંતુ કેન્સરથી પીડાતા દર્દીઓને મદદ કરવાનો પવિત્ર સેવાભાવ પણ વણાયેલો છે. આ મહોત્સવમાં ભાગ લેનાર દરેક ખેલૈયાનું યોગદાન દર્દીઓની સારવારમાં ઉપયોગી નિવડશે.
ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટ પાસેના અમરેલી ગામે આશરે રૂ. 250 કરોડના ખર્ચે 250 બેડની વિશાળ અને આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે. આ મહાયજ્ઞને વેગ આપવા માટે ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાતમાં લગભગ 40 જેટલા સ્થળોએ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી ખોડલધામ મધ્ય ગુજરાત ઝોનના કન્વીનર કુમુદભાઈ અકબરીએ જણાવ્યું હતું કે, સમાજના સહયોગથી આકાર લઈ રહેલી આ હોસ્પિટલનું નિર્માણ કામ ત્રણ અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 250 બેડથી હોસ્પિટલ શરૂ થશે અને ત્યારબાદ તબક્કાવાર નવી આરોગ્ય સુવિધાઓ ઉમેરવામાં આવશે.
તેમણે ઉમેર્યું હતું કે, વડોદરા શહેરમાં ખોડલધામ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી સફળતાપૂર્વક ગરબાનું આયોજન કરી રહ્યું છે. આ આયોજનની મુખ્ય વિશેષતા એ છે કે હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ગરબા ગ્રાઉન્ડ સુધી આવવા-જવા માટે બસની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે અને તેમને ફ્રી પાસ આપી ગરબે રમવાની તક આપવામાં આવે છે. આમ, સંસ્કૃતિ, આનંદ અને માનવસેવાનો આ ત્રિવેણી સંગમ વડોદરાવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
