ભારતમાલા એક્સપ્રેસ વે પર ગંભીર અકસ્માત: LNG ટેન્કર અને દૂધનું ટેન્કર અથડાયા, ગેસ લીક થતાં 24 કલાક માટે હાઈવે બંધ!

ભારતમાલા એક્સપ્રેસ વે પર નંદેસરી નજીક એલએનજી ટેન્કર અને દૂધના ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો. જ્વલનશીલ ગેસ લીક થતાં મોટી હોનારત ટાળવા હાઈવે 24 કલાક માટે બંધ કરવામાં આવ્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 19 Oct 2026 02:46 PM (IST)Updated: Mon, 19 Oct 2026 02:46 PM (IST)
bharatmala-express-highway-accident-lng-tanker-leakage-nandesari-fire-brigade

Bharatmala Expressway Accident: દિલ્હી-મુંબઈ (ભારતમાલા) એક્સપ્રેસ વે પર નંદેસરી નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં દૂધનું ટેન્કર અને અત્યંત જ્વલનશીલ LNG ભરેલું ટેન્કર સામસામે અથડાયા હતા. આ અકસ્માતમાં LNG ટેન્કરમાંથી ગેસ લીકેજ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ફફડાટ વ્યાપી ગયો હતો. જ્વલનશીલ ગેસ લીક થવાના કારણે મોટી હોનારત સર્જાવાની ભીતિ ઊભી થતાં તંત્રનો જીવ તાળવે ચોંટ્યો હતો.

હાઈવે પર ટ્રાફિક બંધ કરાવાયો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો, એક્સપ્રેસ વે ઓથોરિટી અને પોલીસ તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તથા સુરક્ષાના આગોતરા પગલે તંત્ર દ્વારા હાઈવેનો એક તરફનો માર્ગ તાત્કાલિક અસરથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે બંધ કરાતાં રસ્તા પર વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો

ફાયર ફાઈટરોના જવાનોએ અવિરત પાણીનો મારો ચલાવીને LNG ટેન્કરને ઠંડુ રાખવાની અને હવામાં ગેસના પ્રસરણને રોકવાની જોખમી કામગીરી હાથ ધરી હતી. ફાયર અને પોલીસ તંત્રની સમયસૂચકતા તથા સઘન કામગીરીને કારણે સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી અને જાનહાનિ અટકી હતી.

હાઈવે 24 કલાક બંધ રાખવાનો નિર્ણય

મળતી માહિતી મુજબ, આ LNG ગેસ ભરેલું ટેન્કર દહેજ સ્થિત ‘LNG પેટ્રોનેટ કંપની’માંથી નીકળીને જોધપુર ખાતે આવેલી ‘AGP પ્રથમ કંપની’ તરફ જઈ રહ્યું હતું. ગેસ લીકેજની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી ટેન્કરમાંથી ગેસ સંપૂર્ણપણે ખાલી થવામાં 24 કલાકથી પણ વધુ સમય લાગી શકે તેમ છે.

આ જોખમી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ભારતમાલા એક્સપ્રેસ હાઈવેને આગામી 24 કલાક સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને પગલે વહીવટી તંત્ર પૂર્ણ રીતે એલર્ટ અને સાબદું બનીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.