Gujarat News Today Live 19 October, 2026 : અમદાવાદ નજીક સાંતેજ પાસે આવેલા 'મંડળી' ગરબામાં મોડી રાત્રે ગેરકાયદેસર પ્રવેશ કરવાના મુદ્દે સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક તત્વો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગ્રાઉન્ડની બહાર બાઉન્સરો અને યુવકો લાકડીઓ તેમજ ખુલ્લી તલવારો લઈને એકબીજા પાછળ દોડતા મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં ભારે ભય અને નાસભાગ મચી ગઈ હતી. આ મારામારીનો વીડિયો વાયરલ થતાં જ સાંતેજ પોલીસ અને ગાંધીનગર LCBની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, અને આયોજકો દ્વારા હાલમાં ગરબા સ્થળ પર સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

પ્રાથમિક શાળાના શિક્ષકો માટે બદલી કેમ્પનો કાર્યક્રમ જાહેર
રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાસહાયકો માટે વધ-ઘટ તેમજ જિલ્લા આંતરિક ઓનલાઈન બદલી કેમ્પનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રક્રિયા 21 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી બે તબક્કામાં ચાલશે, જેમાં 21 ઓક્ટોબરે વધ-ઘટ કેમ્પ અને 22 ઓક્ટોબરથી આંતરિક બદલી પ્રક્રિયા યોજાશે. શિક્ષકો પોતાની મરજીથી શાળા પસંદ કરતા હોવાથી ઓનલાઈન બદલીનો ઓર્ડર એકવાર થયા પછી કોઈપણ સંજોગોમાં રદ થશે નહીં. આ ઉપરાંત, શિક્ષણ વિભાગે વર્ષ 2022-23થી જિલ્લા-તાલુકા ફેરબદલી મેળવનાર તમામ શિક્ષકોને 100 ટકા છૂટા કરવાનો આદેશ કર્યો છે, જેનાથી 50 ટકા મહેકમના નિયમથી અટવાયેલા 3,000 શિક્ષકો મુક્ત થશે.
ઇન્સ્ટાગ્રામ પર નકલી ગરબા પાસ વેચવાનું કૌભાંડ
અમદાવાદ અને ગાંધીનગરના નામાંકિત ગરબા આયોજકોના લોગોનો દુરુપયોગ કરી, 'વીર રાજપૂત' નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી નકલી ગરબા પાસ સસ્તા ભાવે વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઈમે રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી છે. સિંધુભવન રોડ પર આવેલી એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા જોધપુરના વીરેન્દ્રસિંહ રાજપૂત અને ફલોદી જિલ્લાના કિશનસિંહ રાઠોડને ઝડપી લીધા હતા. આ આરોપીઓએ ઈફેસ્ટો, મંડલી, રાતલડી સહિત 24 જેટલી જાણીતી ગરબા ઈવેન્ટ્સની નકલી ટિકિટો પર ભારે વળતરની લાલચ આપી અનેક ખેલૈયાઓને છેતર્યા હતા. હાલ પોલીસ આ આંતરરાજ્ય કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં વધુ તપાસ કરી રહી છે.
અમદાવાદ નજીક મંડળી ગરબામાં એન્ટ્રી બાબતે બબાલ
અમદાવાદ નજીક સાંતેજ પાસે આવેલા 'મંડળી' ગરબામાં મોડી રાત્રે ગેરકાયદેસર પ્રવેશ કરવાના મુદ્દે સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક તત્વો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ગ્રાઉન્ડની બહાર બાઉન્સરો અને યુવકો લાકડીઓ તેમજ ખુલ્લી તલવારો લઈને એકબીજા પાછળ દોડતા મોંઘા પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં ભારે ભય અને નાસભાગ મચી ગઈ હતી. આ મારામારીનો વીડિયો વાયરલ થતાં જ સાંતેજ પોલીસ અને ગાંધીનગર LCBની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી, અને આયોજકો દ્વારા હાલમાં ગરબા સ્થળ પર સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
બ્રિજની નબળી ગુણવત્તા સામે મુખ્યમંત્રીનો કડક અભિગમ
નર્મદા જિલ્લામાં રાજપીપળા-રામગઢ (નવાગામ) રોડ ઉપર કરજણ નદી પરના મેજર બ્રિજના બાંધકામની નબળી ગુણવત્તા અંગે કોન્ટ્રાક્ટર સામે અસરકારક અને કડક પગલાં લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગને આ બ્રિજના બાંધકામમાં સંકળાયેલા મેસર્સ રોયલ ઇન્ફ્રા એન્જિનિયરિંગ પ્રા. લિ., સુરત સામે ફોજદારી ફરિયાદ-FIR દાખલ કરવાના દિશાનિર્દેશો આપવાને પગલે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે. રાજપીપળા અને રામગઢ આસપાસના વિસ્તારો માટે ખૂબ જ અગત્યતા ધરાવતા આ બ્રિજની કામગીરી ગુણવત્તાયુક્ત ન હોવાથી આ પુલ જોખમી જણાયો હતો. બ્રિજના નિરીક્ષણ અને પરીક્ષણ બાદ આ પુલના ઇજારદાર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત નબળી કામગીરી માટે સંબંધિત અધિકારી અને કર્મચારીઓ સામે પણ કડક પગલાં લેવાના આદેશો આપવામાં આવ્યાં છે.
સુરતના લિંબાયતમાં મોટા દીકરાએ માતા અને નાના ભાઇની કરી હત્યા
સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં આજે સવારે એક હૃદયદ્રાવક અને સનસનાટીભરી ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. મૂળ તેલંગાણાના અને હાલ સુરતમાં સ્થાયી થયેલા તેલુગુ સમાજના પરિવારમાં મિલકત અને દુકાનોના ભાડા બાબતે ચાલી રહેલા ગંભીર વિવાદે લોહિયાળ રૂપ ધારણ કર્યું હતું. મોટા દીકરાએ ક્રૂરતાની બધી હદો વટાવી પોતાની સગી માતા અને નાના ભાઈ પર ચપ્પુ વડે હુમલો કરી બંનેની હત્યા કરી નાખી છે.
મહારાષ્ટ્રમાં 1700 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવી ભાવનગરના યુવકનો આપઘાત
ભાવનગરના એક આશાસ્પદ યુવાને મહારાષ્ટ્રના પ્રસિદ્ધ હરિશ્ચંદ્રગઢ સ્થિત કોંકણકડા પર્વત પરથી આશરે 1700 ફૂટ ઊંડી ખીણમાં પડતું મૂકી જીવન ટૂંકાવી લેતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતક યુવક ટીંબા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા વિશ્વરાજસિંહ ગોહિલ હોવાનું સામે આવ્યું છે. લગ્નજીવનમાં સર્જાયેલા ગંભીર વિખવાદ અને કાનૂની વિવાદોથી ત્રસ્ત થઈને આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ રહી છે.