Vadodara: કરચિયા રેલવે ફાટક કલાકો સુધી બંધ રહેતા ટ્રાફિક જામ બન્યો માથાનો દુખાવો, રોષે ભરાયેલા ગ્રામજનોને આંદોલનની ચીમકી ઉચ્ચારી

અગાઉ ગ્રામ પંચાયતની રજૂઆતના પગલે મળેલી બેઠકમાં ફાટકને દર 20-25 મિનિટે ખોલવાની લેખિત સંમતિ આપવામાં આવી હોવા છતાં હજુ સુધી નિયમોનું પાલન નથી થયું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Mar 2026 04:35 PM (IST)Updated: Sun, 01 Mar 2026 04:35 PM (IST)
vadodara-news-karachiya-railway-gate-no-241-closed-for-hours-massive-traffic-jam-sparks-public-protest
HIGHLIGHTS
  • ફાટક નંબર 241 એકથી સવા કલાક સુધી સતત બંધ રહેતો હોવાનો આક્ષેપ
  • બોર્ડના પરીક્ષાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂતોને ભારે હાલાકી

Vadodara: વડોદરા શહેર નજીક આવેલા કરચિયા ગામમાં રેલવે ફાટક નંબર 241 ગ્રામજનો માટે ગંભીર સમસ્યા બની ગયો છે. કલાકો સુધી ફાટક બંધ રહેતા ભારે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ સંદર્ભે વારંવાર રજૂઆત કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા ગ્રામજનોએ આજે વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલી રજૂઆત બાદ મહિલા અધિકારીની હાજરીમાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રેલવે અધિકારી, ડીએમ કચેરીના પ્રતિનિધિ, બાજવા અને કરચિયાના સરપંચ તેમજ તલાટી હાજર રહ્યા હતા.

આ બેઠક દરમિયાન ફાટકને દર 20 થી 25 મિનિટે ખોલવાની અને નીચે આવેલા ગરનાળાનું ડીવોટરિંગ કરવાની લેખિત સંમતિ આપવામાં આવી હતી. જોકે હકીકતમાં આજ સુધી આ નિયમોનું પાલન થતું નથી. ગ્રામજનોના આક્ષેપ મુજબ, ફાટક એકથી સવા કલાક સુધી સતત બંધ રહે છે અને ગરનાળાની સાફ-સફાઈ પણ કરવામાં આવતી નથી.

હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી હોવાથી બાજવા, દશરથ અને કરચિયા વિસ્તારના વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી શકતા નથી. ઘણા વિદ્યાર્થીઓને ટ્રાફિકમાં ફસાઈ જવું પડે છે. નોકરિયાત વર્ગને રોજિંદા કામ પર પહોંચવામાં એકથી દોઢ કલાક મોડું થતું હોવાનું જણાઈ રહ્યું છે. કેટલાક લોકોને લાંબા અંતરના વળાંક લઈને જવું પડે છે, જેના કારણે ઇંધણ અને સમય બંનેનો બગાડ થાય છે.

પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે રણોલી બ્રિજ બંધ છે અને મિની નદી બ્રિજ પર કામ ચાલી રહ્યું છે. ભારે વાહનોને કરચિયા તરફ ડાયવર્ટ કરવામાં આવતા પહેલેથી જ ટ્રાફિકથી ભરેલા વિસ્તારમાં દબાણ વધી ગયું છે.

ગ્રામજનોએ ચેતવણી આપી છે કે, જો ફાટક નિયમિત રીતે નહીં ખોલવામાં આવે, ટ્રાફિક વ્યવસ્થા સુધારવામાં નહીં આવે અને પૂર્વ સંમતિ મુજબ કાર્યવાહી નહીં થાય, તો સર્વ ગ્રામજનો ભેગા મળી ઉગ્ર આંદોલન કરશે.