Vadodara: SSG હૉસ્પિટલમાં તબીબોની બેદરકારીથી જંબુસરની બાળકીનું મોત થયાનો આક્ષેપ, પરિવારની નિષ્પક્ષ તપાસની માગ

બાળકીને લઈને હોસ્પિટલ આવ્યા, ત્યારે ફરજ પરના ડોક્ટરો ઊંઘતા હતા. તેમને ઉઠાડ્યા તો આ ઈમરજન્સી કેસ નથી કહીને સામાન્ય દવા આપી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 16 Aug 2025 07:24 PM (IST)Updated: Sat, 16 Aug 2025 07:24 PM (IST)
vadodara-news-jambusar-baby-died-in-ssg-hospital-due-to-medical-negligence
HIGHLIGHTS
  • છેલ્લા 2 દિવસથી બાળકીને ઉલટી થતાં રિપોર્ટ કરાવતા નોર્મલ આવ્યા હતા
  • મોડી રાતે બાળકીની તબિયત લથડતા SSGના ઈમરજન્સી વોર્ડમાં લવાઈ

Vadodara: વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર દરમિયાન જંબુસરની બાળકીનું મોત નીપજતા હોબાળો મચ્યો છે. જેમાં મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલના તબીબો પર બેદરકારીના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે.

આ અંગે જંબુસર તાલુકાના પાંચપીપળા ગામમાં રહેતા મૃતક બાળકીના પિતા ઈરફાનભાઈએ જણાવ્યું કે, તેમની દીકરીને 2 દિવસથી ઉલ્ટી થવાની સમસ્યા હતી. આથી સૌ પ્રથમ તેઓએ જંબુસર ખાતે તબીબની સલાહ પ્રમાણે બાળકીના તમામ રિપોર્ટ કરાવ્યા હતા, જે નોર્મલ આવ્યા હતા.

જો કે ગઈકાલે રાતે ફરીથી બાળકીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે વડોદરા સ્થિત SSG હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી.

પરિવાજનોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, જ્યારે બાળકીને હોસ્પિટલ લઈને આવ્યા, ત્યારે ફરજ પરના તબીબો નિંદ્રાધીન અવસ્થામાં હતા. જ્યારે તેમને ઉઠાવામાં આવ્યો, તો તેમણે આ કોઈ ઈમરજન્સી કેસ નથી તેમ કહી સામાન્ય દવા આપી હતી. આ બેદરકારીના કારણે જ બાળકી મોતને ભેટી છે.

આ બનાવને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. તેઓએ માંગ કરી છે કે, ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર તબીબો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. બીજી તરફ હોસ્પિટલ સંચાલન તરફથી આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.