Vadodara: વડોદરાની ખ્યાતનામ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ગણેશ આગમન ટાણે થયેલી હિંસક અથડામણ બાદ વિદ્યાર્થી રાજકારણ ઉગ્ર વળાંક લઈ ચૂક્યું છે. અગાઉ 'વિદ્યાર્થી વિકાસ સંઘ'માંથી યુવા મોરચામાં જોડાયેલા વિદ્યાર્થીઓ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના (ABVP) કાર્યકરો વચ્ચેની લડાઈ હવે ભાજપના જ વરિષ્ઠ નેતાઓ વચ્ચેના આંતરિક રાજકીય યુદ્ધમાં ફેરવાઈ ગઈ છે.
આ સમગ્ર વિવાદની શરૂઆત ગણેશ સ્થાપના વખતે બે જૂથો વચ્ચે થયેલી મારામારીથી થઈ હતી. જેમાં પૂર્વ મેયર સુનિલ સોલંકીના પુત્ર અને ABVPના કાર્યકર આશિષ સોલંકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટના બાદ આશિષ સોલંકીએ સામા પક્ષના વિદ્યાર્થીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે હોસ્ટેલના વિદ્યાર્થીઓએ પણ વળતી એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટના બાદ ક્ષેત્રીય રાજકારણ વધુ ગરમાયું છે. હોસ્ટેલના વિદ્યાર્થી ધ્રુવ રાવલ અને તેના સાથીઓએ પત્રકાર પરિષદ યોજીને ગંભીર આક્ષેપો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે, તેઓ સમાધાન કરવા અને માફી માંગવા તૈયાર હોવા છતાં પૂર્વ મેયર તેમનો સંપર્ક સધાવવા દેતા નથી. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પૂર્વ મેયર વર્ષ 2027ની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમા રાખીને પોતાના પુત્ર પર થયેલા હુમલાનો ઉપયોગ રાજકીય રોટલો શેકવા માટે કરી રહ્યા છે.
બીજી તરફ ABVP દ્વારા સોશિયલ મીડિયા પર 'પોસ્ટર વોર' શરૂ કરવામાં આવી છે. જેમાં મારામારીમાં સામેલ વિદ્યાર્થીઓના વડોદરાના સાંસદ હેમાંગ જોષી સાથેના ફોટોગ્રાફ્સ વાયરલ કરીને સાંસદ પર સીધું નિશાન સાધવામાં આવી રહ્યું છે.
ABVPના કાર્યકરોમાં એ વાતનો ભારે રોષ છે કે ઈજાગ્રસ્ત આશિષ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો ત્યારે જ ભાજપના લીગલ સેલ દ્વારા આરોપી વિદ્યાર્થીઓના જામીન કરાવી દેવાયા હતા. આ મુદ્દે ABVPએ સયાજીગંજ પોલીસ મથકે ભારે વિરોધ પણ નોંધાવ્યો હતો.
હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે, 18 થી 20 વર્ષની નાની વયના વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમમાં મુકાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે અને તેમના પરિવારજનોને ધમકીભર્યા ફોન આવી રહ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓની લડાઈમાં સાંસદને ખોટી રીતે ઘસડીને બદનામ કરવામાં આવી રહ્યા હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. હાલ તો વિદ્યાના ધામ તરીકે ઓળખાતી એમ.એસ. યુનિવર્સિટીમાં આંતરિક રાજકીય ખેંચતાણ ચરમસીમાએ પહોંચી ગઈ છે.
એમ.એસ. યુનિવર્સિટીની હોસ્ટેલના ભોજનની ગુણવત્તા સામે ફરી સવાલો
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સાથે જોડાયેલી હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને અપાતા ભોજનની ગુણવત્તાને લઈને વિવાદોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. થોડા દિવસો અગાઉ જ તંત્ર દ્વારા ફૂડ ક્વોલિટીની ચકાસણી કરવામાં આવી હોવા છતાં, હોસ્ટેલના મેસમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સુધરવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં રોટલી સહિતની ખાદ્ય સામગ્રીની નબળી ગુણવત્તાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થો સર્જાયા છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે.
આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર હોસ્ટેલના ભોજનનો એક વીડિયો વાયરલ થયો છે. વાયરલ થયેલા આ વીડિયોમાં ભોજનની હીન કક્ષાની ગુણવત્તા અને વિદ્યાર્થીઓની હાલાકી અંગે સ્પષ્ટ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. વીડિયો સામે આવ્યા બાદ યુનિવર્સિટીના વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે અને વિદ્યાર્થી સંગઠનો પણ આક્રમક મૂડમાં આવ્યા છે.
