Vadodara: વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ધોળાકુવા ગામમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમ પતિએ લગ્નના માંડ 50 દિવસમાં જ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખી તેની નિર્મમ હત્યા કરી નાખી છે.
'અમારી લાશો લઈ જજો' બોલી ફોન સ્વીચ ઑફ કરી દીધો
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ખડોલ ગામના રહેવાસી જયદીપભાઈ સોલંકીની બહેન તેજલના લગ્ન ગત 12 માર્ચના રોજ ધોળાકુવા ગામના હર્ષદ ગોહિલ સાથે થયા હતા. સુખદ લગ્નજીવનની આશા સાથે તેજલ સાસરે આવી હતી. ગત 2 એપ્રિલના રોજ અચાનક હર્ષદે તેના સાળા જયદીપને ફોન કરીને 'અમારી લાશો લઈ જજો' આટલું બોલી ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો.
આથી ગભરાયેલા પરિજનોએ તપાસ હાથ ધરતા તેજલ વાસદની એક હોસ્પિટલમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. પરિણીતાના અચાનક મોતથી શંકા જતાં પરિવારે પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાનો આગ્રહ રાખ્યો હતો. પીએમ રિપોર્ટમાં તેજલનું કુદરતી મોત નહીં, પણ ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
આખરે હરકતમાં આવેલી નંદેસરી પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ફાજલપુરની કોતરોમાં છૂપાયેલા હર્ષદ ગોહિલ (20)ને દબોચી લીધો હતો. પોલીસ પૂછપરછમાં હર્ષદે કબૂલ્યું કે, તેને પત્ની તેજલના ચારિત્ર્ય પર શંકા હતા. જેના કારણે તે પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
પત્નીની હત્યા કરવા બાદ આરોપીએ કાયદાની ચુંગાલમાંથી છટકવા માટે પોતે પણ ધાબા પરથી પડતુ મૂકીને આપઘાતનો પ્રયાસ કરવાનો ઢોંગ કર્યો હતો. જેથી પોલીસને લાગે કે, આ કોઈ પારિવારિક વિખવાદ કે આત્મહત્યાનો મામલો છે. જોકે, પોલીસની કડક પૂછપરછમાં તેનું જૂઠાણું ટકી શક્યું નહીં.
હાલમાં નંદેસરી પોલીસે હર્ષદ ગોહિલ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103(1) અને 85 હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
