Vadodara: શહેરની મધ્યમાં આવેલા અને શહેરની શાન સમા ઐતિહાસિક માંડવીના 16 પિલર પૈકી ગેંડીગેટ તરફનો પિલર ક્રેશ થતાં તંત્ર દોડતું થયું છે. 291 વર્ષ જૂની ઇમારતના તમામ પિલર પૈકી માત્ર એક જ પિલર કેવી રીતે ક્રેશ થયો તે અંગે તજ્જ્ઞો માથું ખંજવાળી રહ્યા છે.
વડોદરામાં ઐતિહાસિક હેરીટેજ માંડવી બિલ્ડિંગ બનાવતાં પહેલાં ચાર દરવાજા અને કોટ બનાવાયો. જે બાદ દામાજીરાવ બીજાના પિતરાઇ મલ્હારરાવ ગાયકવાડ દ્વારા 1734માં માંડવીનું નીચેનું સ્ટ્રક્ચર બનાવાયું હતું. ચાર દરવાજામાં આવતા લોકોને માંડવી થઈને જવું પડે અને ત્યાં ટેક્સ કલેક્શન ચોકી હતી. 1850માં મહારાજા ગણપતરાવ ગાયકવાડે ઉપરનું બિલ્ડિંગ બનાવ્યું હતું.
આ પણ વાંચો
આમ આશરે 291 વર્ષ જૂના માંડવીના ઐતિહાસિક દરવાજાનો એક પિલર જર્જરિત થયો છે. પિલરમાં તિરાડ પડતાં પોપડા ઉખડ્યા છે, જેને લઈ તંત્ર દોડતું થયું છે. પિલરમાં તિરાડ પડતાં પુરાતત્વ વિભાગ અને કોર્પોરેશન દ્વારા સુરતના કોન્ટ્રાક્ટર પાસેથી સમારકામ કરાવવામાં આવશે.
હાલમાં માંડવી ગેટ તૂટી ન જાય તે માટે લોખંડના 10 પાયાના ટેકા મૂકવામાં આવ્યા છે, જેનાથી ઇમારતને બચાવવામાં આવી રહી છે. માંડવી દરવાજામાં 16 પિલર આવેલા છે તે પૈકી ગેંડીગેટ તરફનો પિલર જર્જરિત થયો છે. એકમાત્ર પિલર જર્જરિત થતા તંત્ર માથું ખંજવાળી રહ્યું છે. એવામાં નાગરિકો કોર્પોરેશન તેમજ પુરાતત્વ વિભાગ હેરિટેજ બિલ્ડિંગને સાચવવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનું કહી રહ્યા છે. સ્માર્ટ સિટીની વાતો કરનારા શાસકોએ પહેલા હેરિટેજ ઇમારતને જાળવણી કરવી જરૂરી છે.
બીજી તરફ સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, પિલ્લર જમીનમાં નથી ધસ્યો પરંતુ વચ્ચેથી ખવાઈ ગયો છે, આ નુકશાન આશ્ચર્ય પમાડે તેવું છે. પુરાતત્વ વિભાગ સાથે સંકળાયેલા કન્સલ્ટન્ટની મદદ લેવામાં આવી છે. સુરતના નિષ્ણાતે સાઇટ વિઝીટ કરી છે. ઇમારતને નુકશાન ન થાય તે રીતે કામ કરવા તેમના કોન્ટ્રાકટરને સૂચના અપાઈ છે. આજે સાંજ સુધીમાં નિષ્ણાતોનો અભિપ્રાય આવી જશે. અન્ય પિલ્લરોમાં પણ તિરાડ પડવાની શરૂઆત થઈ હોવાથી વહેલીતકે સમારકામ શરૂ કરાશે.
વડોદરા કોર્પોરેશન એકતરફ ઐતિહાસિક ઈમારત ન્યાય મંદિર, લાલકોર્ટની જાળવણી પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહી છે પણ મહત્વના ચાર હેરિટેજ દરવાજાની જાળવણી કરવામાં ઉણું ઉતર્યું છે, ત્યારે માંડવી દરવાજા જેવા હાલ અન્ય દરવાજાના ના થાય તેની કાળજી લેવી ખૂબ જરૂરી છે.
