વડોદરામાં સાતમા નોરતે વરસાદ બન્યો વિલન, ગ્રાઉન્ડમાં પાણી ભરાતા ચાર મોટા આયોજકોએ આજના ગરબા રદ્દ કર્યાં; ખેલૈયાઓ નિરાશ

આજે રવિવારની રજા હોવાથી બપોરે આરામ ફરમાવી મોડી રાતે સુધી ગરબે ઘુમવાના ખેલૈયાઓનો ઉત્સાહ પર પાણી ફરી વળ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 28 Sep 2025 07:42 PM (IST)Updated: Sun, 28 Sep 2025 07:42 PM (IST)
vadodara-news-garba-cancel-due-to-heavy-rain-across-the-city
HIGHLIGHTS
  • પહેલા નોરતે પણ મેદાનમાં કીચડના કારણે ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો
  • વડોદરા વાઈબ્રન્ટ, યુનાઈટેડ વે ઓફ બરોડાના ગરબા આજે નહીં રમાય

Vadodara: વડોદરા સહિત સમગ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી મેઘરાજા બઘડાટી બોલાવી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા પહેલા જ વરસાદની આગાહી કરવામાં આવતા ગરબા પ્રેમીઓમાં ચિંતા જોવા મળી હતી. જો કે આજે દિવસભર પડી રહેલા વરસાદના કારણે શહેરના મોટાભાગના ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા.

વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ના થાય, તે માટે આયોજકો દ્વારા ખાસ પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત કેટલાક ગરબા મેદાનોમાં પાણી ના ભરાય, તે માટે પ્લાસ્ટિક બીછાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જો કે સતત વરસી રહેલા વરસાદના કારણે આખરે આજનો કાર્યક્રમ રદ્દ કરવાની ફરજ પડી રહી છે.

વડોદરાના યુનાઈટેડ વે ઑફ બરોડા, ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ, લક્ષ્મી વિલાસ પેલેસ નવરાત્રિ ફેસ્ટિવલ અને વડોદરા વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ જેવા ચાર મોટા ગરબાના આયોજકોએ આજે રવિવારના ગરબાના કાર્યક્રમો રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.

આયોજકોના જણાવ્યા પ્રમાણે, સતત વરસી રહેલા વરસાદના કારણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. અગાઉ પણ ગરબા ગ્રાઉન્ડ સુધી જવાના રસ્તે તેમજ મેદાનમાં પાણી ભરાઈ જતાં ખેલૈયાઓને તકલીફ થઈ હતી. નવરાત્રિના પહેલા જ દિવસે આ મામલે હોબાળો પણ થયો હતો. જેથી આ વખતે સુરક્ષાકારણોસર તેમજ સુવિધાને ધ્યાનમાં રાખીને રવિવારના ગરબા રદ્દ કરવા પડ્યા છે.

વડોદરા જે નવરાત્રીની ઉજવણી માટે આખા ગુજરાતમાં પ્રસિદ્ધ છે, ત્યાં વરસાદે ખેલૈયાઓ સાથે આયોજકોની ચિંતા પણ વધારી દીધી છે. ખાસ કરીને સપ્તાહના અંતે આવનારા રવિવારના ગરબાને લઈને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ હતો. જો કે પ્રકૃતિના વિઘ્ને તે નિષ્ફળ બન્યો છે. જો વરસાદ આવનારા કલાકોમાં યથાવત રહેશે તો સોમવારના ગરબા પર પણ પાણી ભરાઈ જવાની સંભાવનાઓ નકારી શકાય નહીં.

ઉત્સવપ્રિય વડોદરા નગરીમાં દર વર્ષે લાખો લોકો ગરબામાં ઝૂમીને નવરાત્રીની ઉજવણી કરે છે. જો કે આ વર્ષે સાતમા નોરતે મેઘરાજાની અનિયંત્રિત મહેરબાનીને કારણે શહેરના સૌથી મોટા ગરબા આયોજનોને સ્થગિત કરવાની ફરજ પડી છે, જેને કારણે ખેલૈયાઓમાં નિરાશા ફેલાઈ છે.