Vadodara News: શહેરમાં ભેજાબાજ ટોળકી દ્વારા ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી એસી, ટીવી અને ફ્રીજ જેવી ચીજવસ્તુઓની ખરીદી કર્યાં બાદ લોન પર લીધેલ વસ્તુઓ રોકડેથી સસ્તા ભાવે વેચી દઈ ખાનગી ફાઇનાન્સ કંપનીને ચૂનો લગાડતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે કારેલીબાગ પોલીસે એક મહિલા સહિત 5 આરોપીની ધરપકડ કરીને તેમની પાસેથી 9 ડુપ્લિકેટ આધાર કાર્ડ જપ્ત કર્યાં છે તેમજ લોન પર ખરીદી કરી સસ્તા માં વેચી દીધેલ એસી, ટીવી અને ફ્રીજ સહિતનો 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ અંગે DCP પન્ના મોમાયાએ જણાવ્યું કે, કારેલીબાગ પોલીસ મથક વિસ્તારમાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવીને 5 ઇસમો અલગ-અલગ જગ્યાએથી ટીવી, એસી, ફ્રીજ સહિતની વસ્તુઓ ખરીદી કરવા અલગ અલગ ઈલેક્ટીક શો રૂમમાંથી ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી લોન લઇ ચીજ વસ્તુઓની ખરીદી કરતા હતા. જે બાદ લોન પર લીધેલ વસ્તુઓ બારોબાર વેચી દેતા તેમજ ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી લીધેલ લોનના હપ્તા પણ ભરપાઈ કરતાં નહતા. આથી ખાનગી ફાઇનાન્સ કંપનીના રિકવરી કર્મચારીઓ તેઓએ જણાવેલા સરનામા પર લોન રિકવરી કરવા જતા, ત્યારે લોન લેનાર કોઈ ઈસમ ત્યાં મળી આવતા નહોતા
અગાઉ પણ ફાઇનાન્સ કંપની દ્વારા પોલીસ મથકે અરજીઓ આપવામાં આવી હતી. જેથી પોલીસને ધ્યાનમાં હતું કે, આવી કોઇક ગેંગ સક્રિય છે. જે બાબત પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી અને વોચ ગોઠવી ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવતી ગેંગનો પર્દાફાશ કર્યો હતો.
5 આરોપી પૈકી અલ્લારખા ઉર્ફે અલ્લુ નુરમહમદ શેખ સામે અગાઉ પણ 2019માં પાણીગેટ અને સિટી પોલીસ સ્ટેશનમાં ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અલ્લારખા ઉર્ફે અલ્લુ નુરમહમદ શેખ તેના કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટ કાઢીને ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવતો હતો અને બીજા 4 આરોપીઓને પણ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવીને આપતો હતો અને તે લોકો ડુપ્લિકેટ આધારકાર્ડ ફાઇનાન્સ કંપનીમાં આપીને શો-રુમમાંથી એસી, ટીવી અને ફ્રીજ સહિતની વસ્તુઓ ખરીદતા હતા એક જ વ્યક્તિના નામે 4થી 6 જેટલા આધારકાર્ડ બનાવતા હતા
પોલીસ દ્વારા ડુપ્લિકેટ આધારકાર્ડ બનાવી ફાઇનાન્સ કંપનીને ચૂનો લગાવતા 32 વર્ષીય મુખ્ય આરોપી અલ્લારખા ઉર્ફે અલ્લુ નુરમહમદ શેખ સહીત આફતાબ એહમદ હનીફભાઇ શેખ, નયન ઉર્ફે બુધો દિનેશભાઇ રાવલ, મોહમંદ અકીલ ઇબ્રાહીમશા દિવાન, હિના અરીફમીયા ચૌહાણની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી 9 એસી, 1 ફ્રીજ અને 1 ટીવી જેની કિંમત 4 લાખ રૂપિયા થાય છે, તેની રિકવરી કરવામાં આવી છે. હાલ અન્ય કોઈ ફાઇનાન્સ કંપનીમાં પણ આરોપીઓ દ્વારા ઠગાઈ આચરવામાં આવી છે કે કેમ? તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
