Gambhira bridge: ટૂ-વ્હીલર અને રાહદારીઓને મોટી રાહત, વડોદરા-આણંદને જોડતા ગંભીરા બ્રિજ પર પાંચ મહિના બાદ અવરજવર શરૂ કરવા આદેશ

કેબિનેટ મંત્રીની રજૂઆતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.9.12 કરોડના ખર્ચે નવા સ્ટીલ બ્રિજના સમારકામને મંજૂરી આપવામાં આવી હતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 29 Nov 2025 07:38 PM (IST)Updated: Sat, 29 Nov 2025 08:15 PM (IST)
vadodara-news-gambhira-bridge-open-for-two-vehicle-after-4-months
HIGHLIGHTS
  • જુલાઈ મહિનામાં ગંભીરા બ્રિજ તૂટી પડતાં બંધ કરાયો હતો
  • યુદ્ધસ્તરે કામ આગળ ધપાવી હાલ 22 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી

Vadodara: વડોદરા અને આણંદ જિલ્લાના લાખો મુસાફરો માટે રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. મહી નદી પર આવેલ ગંભીરા પુલ પર શરૂ કરાયેલા સમારકામ તથા નવા સ્ટીલ બ્રિજના 22 ટકા કામ પૂરાં થતાં હવે બ્રિજ પર રાહદારી તેમજ ટુ-વ્હીલર વાહનચાલકો માટે અવરજવર શરૂ કરવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.

લાંબા સમયથી થતા અવરોધ અને ડાયવર્ઝનને કારણે પ્રજાજનોને થતા અનિચ્છનીય તકલીફો વચ્ચે આ નિર્ણય બંને જિલ્લાઓ માટે મહત્વનો વિકાસ માનવામાં આવે છે.

ગત જુલાઇમાં ગંભીરા પુલનો એક ભાગ ધરાશાયી થતાં વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે બંધ કરવો પડ્યો હતો. જે બાદ પાદરા, બોરસદ તથા આસપાસના વિસ્તારમાં સ્થિત ઔદ્યોગિક એકમોમાં રોજગારી અથવા વેપાર-ધંધા માટે આવતા-જતા નાગરિકોને મોટી મુશ્કેલીઓ ઊભી થઈ હતી.

અંતર વધવાથી સમય અને ઇંધણ બંનેનો વધારાનો ભાર સહન કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગે ચોમાસાની વચ્ચે પણ તાત્કાલિક આધારે નવીન પુલનું નિર્માણ શરૂ કર્યું હતું. યુદ્ધસ્તરે કામ આગળ ધપાવી હાલ 22 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.

જ્યારે નવીન પુલ સંપૂર્ણ તૈયાર ન થાય ત્યાં સુધી મુસાફરોને રાહત આપવા માટે વૈકલ્પિક વ્યવસ્થા રૂપે સ્ટીલ બ્રિજ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો.

કેબિનેટ મંત્રી રમણભાઇ સોલંકીએ આ સંબંધિત રજૂઆત રાજ્ય સરકાર સમક્ષ કરી હતી, જેને અનુસરી મુખ્યમંત્રીએ 9.12 કરોડના ખર્ચે નવા સ્ટીલ બ્રિજ તથા અન્ય ગાળાઓના સમારકામને મંજૂરી આપી હતી. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ પ્રજાને રાહત આપવું અને મુસાફરી સરળ બનાવવી પ્રાથમિકતા છે, તેથી પ્રોજેક્ટને તાકીદના ધોરણે અમલમાં મૂકાયો છે.

હાલના તબક્કે ટુ-વ્હીલર તથા રાહદારીઓ માટે વાહનવ્યવહાર પુનઃશરૂ કરાયો છે, જ્યારે આવતા સમયગાળામાં સમારકામની કામગીરી આગળ વધતા વધુ સુવિધા ઉપલબ્ધ થશે. બ્રિજ ફરી જીવંત થતાં વડોદરા અને આણંદ વચ્ચેના પ્રજાજનોને મુસાફરીમાં સહેલાઇ, સમય બચત તથા દૈનિક અવરજવર વધુ સરળ બનવાની આશા વ્યક્ત થઈ રહી છે.