Vadodara: શહેરમાં સસ્તા દરે આવાસ અપાવવાના બહાને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતો ગઠિયો પોલીસના સકંજામાં આવી ગયો છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં આવાસ યોજનામાં મકાન અપાવવાની લાલચ આપી 16 જેટલા મધ્યમવર્ગીય પરિવારો પાસેથી અંદાજે રૂ. 40.17 લાખની રકમ પડાવી લેનાર મુખ્ય સૂત્રધાર હરીશ ચૌહાણની પોલીસે ધરપકડ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી હરીશ ચૌહાણે પોતાની જાળ બિછાવીને લોકોને વિશ્વાસમાં લીધા હતા. જેમા પોતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની આવાસ યોજના હેઠળ સસ્તા ભાવે મકાનો અપાવી શકે છે.
આ પણ વાંચો
લોકોનો વિશ્વાસ જીતવા માટે હરેશે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના નામના ખોટા દસ્તાવેજો અને બનાવટી પાવતીઓ પણ બનાવી હતી. જે બતાવીને તેણે જાન્યુઆરી 2025 થી ઓક્ટોબર 2025 દરમિયાન અલગ-અલગ તારીખે 16 લોકો પાસેથી કુલ રૂ. 40,17,500/- વસૂલ્યા હતા.
ભોગ બનનાર પરિવારોએ જ્યારે વારંવાર મકાનનો કબજો માંગ્યો અને ફાળવણી પત્ર બાબતે ઉઘરાણી કરી, ત્યારે આરોપી ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. આખરે હરેશ પોતાની ઑફિસને તાળા મારીને ફરાર થઈ જતાં લોકોને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થઈ હતી. જે બાદ તેમણે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
આ મામલે ગોરવા પોલીસે ગુનો નોંધીને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ હાથ ધરી હતી. ટૂંકા ગાળામાં જ પોલીસે મુખ્ય આરોપી હરીશ ચૌહાણની ધરપકડ કરી લીધી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ અને આરોપીએ આ રીતે અન્ય કેટલા લોકોને નિશાન બનાવ્યા છે, તે બાબતે તપાસ કરવામાં આવી રહી છે.
