Vadodara News: વડોદરા શહેરમાં આગની દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવા રોડ પર એક ગંભીર આગ લાગવાની ઘટના સામે આવી છે. આજવા રોડ પર સયાજીપુરા ગામ સામે આવેલા સૃષ્ટિ ડુપ્લેક્સ નજીક ગત મોડી રાત્રીના એક ખુલ્લા ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરા-તફરી મચી ગઇ હતી. ગોડાઉનમાં રહેલો ભંગાર અને જ્વલનશીલ કચરો આગના ઝપેટમાં આવી જતાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી આકાશમાં છવાઈ ગયા હતા, જેને જોઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.
30 જેટલા ફાયર લાશ્કરોનો કાફલો પહોંચ્યો
આ પણ વાંચો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત મોડી રાત્રીના બનેલી આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશો દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસ વિભાગને જાણ કરવામાં આવી હતી. આગની તીવ્રતા એટલી વધારે હતી કે જોતજોતામાં લાખો રૂપિયાનો ભંગાર અને સામાન બળીને ખાખ થઈ ગયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પાણીગેટ અને ગાજરાવાડી સહિતના આસપાસના ફાયર સ્ટેશન પરથી અંદાજે 30 જેટલા ફાયર લાશ્કરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
ફાયર જવાનોએ મોરચો સંભાળીને ભીષણ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ગોડાઉન ખુલ્લું હોવા છતાં આગના લપકારા અને અસહ્ય ગરમીના કારણે ફાયર ફાઈટરોને આગ પર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. સતત કલાકોની ભારે મહેનત બાદ આખરે ફાયર લાશ્કરોએ આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને તેના પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આગ પર કાબુ મેળવ્યા બાદ તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાની ગંભીરતાને જોતા કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લેવાની સાથે જ આસપાસના લોકોને સુરક્ષિત અંતરે ખસેડ્યા હતા જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય. સદનસીબે, આ ભીષણ આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ ગોડાઉનમાં રહેલો મોટો જથ્થો ભંગાર અને કચરો બળીને સ્વાહા થઈ ગયો છે.
હાલની સ્થિતિએ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફટાકડા કે અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કપુરાઈ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ગોડાઉન માલિક તેમજ જવાબદાર વ્યક્તિઓની પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી છે. આગના આ બનાવથી શહેરમાં ફરી એકવાર ઔદ્યોગિક અને ગોડાઉન વિસ્તારોની આગની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.
