Vadodara: સગાઈ તૂટી જતાં હતાશ આણંદની યુવતીનો કેનાલમાં કૂદી આપઘાતનો પ્રયાસ, મહિલા કોન્સ્ટેબલે વાતોમાં પરોવી મોતના મુખમાંથી ઉગારી

છાણી કેનાલ પર સર્જાયો હાઈવૉલ્ટેજ ડ્રામા, મહિલા કોન્સ્ટેબલની યુવતીને હુંફ- 'હું તારી બહેન જેવી જ છું, તારે કોઈનાથી ડરવાની જરૂર નથી'

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 27 Mar 2026 08:59 PM (IST)Updated: Fri, 27 Mar 2026 08:59 PM (IST)
vadodara-news-engagement-break-leads-to-suicide-attempt-police-and-fire-team-save-young-woman
HIGHLIGHTS
  • ફાયર બ્રિગેડની ટીમ અને ફતેગંજ પોલીસ મથકનો કાફલો છાણી કેનાલ પર પહોંચ્યા
  • યુવતી કેનાલમાં કૂદતા જ ફાયર વિભાગના જવાનોએ પાણીમાંથી બહાર કાઢી બચાવી

Vadodara: વડોદરા શહેરના ફતેગંજ પોલીસ મથકની હદમાં આવતી છાણી કેનાલ પાસે ગત સાંજે એક હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સગાઈ તૂટી જવાથી જીવન ટૂંકાવવા પહોંચેલી યુવતીને વડોદરા પોલીસ અને ફાયર વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીની સેકન્ડોમાં મોતના મુખમાંથી ઉગારી લીધી હતી. ખાખીની માનવીય સંવેદના અને ફાયરની તત્પરતાને કારણે આજે એક દીકરીનો જીવ બચી ગયો છે.

પોલીસે વાતોમાં રાખી, ફાયરે રેસ્ક્યુ કર્યું

મૂળ આણંદની વતની અને વડોદરામાં ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતી સગાઈ તૂટી જવાના કારણે માનસિક તણાવમાં હતી. આથી તે છાણી કેનાલના કિનારે આપઘાત કરવાના ઈરાદે ઊભી હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. આ ઘટનાની ગંભીરતા સમજી ફતેગંજ પોલીસ મથકના ASI નિલેશભાઈ કટારા અને મહિલા કોન્સ્ટેબલ નીતાબેન તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા.

યુવતી અત્યંત આવેશમાં હોવાથી તેને કિનારેથી બહાર લાવવી મુશ્કેલ હતી. આ દરમિયાન પોલીસ ટીમે સતર્કતા વાપરી TP-13 ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ પહોંચે ત્યાં સુધી મહિલા કોન્સ્ટેબલ નીતાબેને યુવતીને વાતોમાં પરોવી રાખી હતી. જેવી ફાયરની ટીમ રેસ્ક્યુ માટે નજીક પહોંચી, યુવતીએ કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, સતર્ક ફાયર જવાનોએ ત્વરિત પાણીમાં કૂદી દિલધડક રીતે ગણતરીની સેકન્ડોમાં જ યુવતીને હેમખેમ બહાર કાઢી લીધી હતી.

'હું તારી બહેન જેવી છું, ડરવાની જરૂર નથી'

રેસ્ક્યુ બાદ યુવતી અત્યંત ગભરાયેલી હાલતમાં હતી અને કોઈની સાથે વાત કરવા તૈયાર નહોતી. આ સમયે મહિલા કોન્સ્ટેબલ નીતાબેને મમતાભર્યું વલણ દાખવી તેને પાણી પીવડાવ્યું હતું અને હિંમત આપતા કહ્યું હતું કે, 'તું શાંત થઈ જા, હું તારી બહેન જેવી જ છું. હવે હું આવી ગઈ છું, તારે કોઈનાથી ડરવાની જરૂર નથી.'

કાઉન્સિલિંગ કરી માતા-પિતાને સોંપાઈ

પોલીસ મથકે લાવ્યા બાદ યુવતીનું યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. સગાઈ તૂટવી એ જીવનનો અંત નથી તેવી સમજ આપી તેને હિંમત પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ તેના વાલી વારસોને બોલાવી યુવતીને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી. વડોદરા પોલીસ અને ફાયર વિભાગની આ કામગીરીની શહેરભરમાં પ્રશંસા થઈ રહી છે.