Vadodara: પાદરા તાલુકામાં પિતા–પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનાર એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. પાદરાના શના ચાવડા નામના વ્યક્તિની રાત્રે ઘર બહાર સૂઈ રહ્યા હતા, ત્યારે જ ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ગુનાનો ભેદ પાદરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખ્યો છે. જેમાં હત્યા પાછળ મૃતકની સગીર દીકરીની જ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૃતક શના ચાવડા નામના વ્યક્તિની સગીર વયની દીકરી થોડા સમય પહેલા જ પોતાના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ હતી. આ મામલે શના ચાવડાએ દીકરીના પ્રેમી રણજીત વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સોના કાયદા હેઠળ ગુનો નોંધ્યો હતો. જે બાદ પકડાયેલા રણજીત વાઘેલા 6 મહિના સુધી જેલમાં પણ રહ્યો હતો. આ બાબતનો ખાર રાખીની દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પ્રેમમાં નડતરરૂપ પિતાનો કાંટો કાઢી નાંખવા માટે કાવતરૂં ઘડી નાંખ્યું હતુ.
આ પણ વાંચો
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, જે દીવસે ઘટના ઘટી તે રાતે દીકરીએ માતા-પિતાને ભોજનમાં ઊંઘની ગોળીઓ આપી દીધી હતી. જેથી ઘેનની અસરના કારણે શના ચાવડા ચિર નિંદ્રામાં પોઢી ગયા હતા. જે બાદ દીકરીએ પોતાના પ્રેમી રણજીત વાઘેલા અને તેના મિત્ર ભવ્ય વસાવાને બોલાવ્યા હતા. મોડી રાતે 3 વાગ્યાની આસપાસ પ્રેમી અને તેના મિત્રએ ઘરની બહાર સૂઈ રહેલા શના ચાવડા પર ચપ્પુના આડેધડ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
આ કેસની તપાસ કરી રહેલા પોલીસની ટીમને દીકરી પર શંકા ઉપજી હતી. જેથી હ્યુમન રિસોર્સ અને ટેક્નીકલ સર્વેલ્સના આધારે સઘન તપાસ કરતાં મૃતકની હત્યા તેની જ દીકરીએ પ્રેમી સાથે મળી કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ મામલે પોલીસે મૃતકની સગીર દીકરી, તેના પ્રેમી રણજીત વાઘેલા અને સાગરિત ભવ્ય વસાવાની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
