Vadodara: વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવની નવી પાર્ટી બનાવવાની જાહેરાત, આવનારી ચૂંટણીમાં 50 જેટલા ઉમેદવારો ઉતારશે

યુવાઓ સચ્ચાઈના માર્ગે ચાલે અને ભવિષ્યમાં પરિવર્તન લાવે, તે માટે અમે પક્ષની સ્થાપના કરી રહ્યા છીએ. અમે એવા ઉમેદવારોને જ ટિકિટ આપીશું, તે ચૂંટાયા પછી પાર્ટી છોડીને જતા ના રહે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 13 Nov 2025 06:01 PM (IST)Updated: Thu, 13 Nov 2025 06:01 PM (IST)
vadodara-news-dabang-leader-madhu-shrivastav-make-new-party-ahead-of-upcoming-election
HIGHLIGHTS
  • મધુ શ્રીવાસ્તવ કલેક્ટર કચેરી પહોંચી ચૂંટણી અધિકારીને મળ્યા
  • 2022માં ભાજપે ટિકિટ ના આપતા અપક્ષ લડ્યા અને હાર્યા

Vadodara: વાઘોડિયા વિધાનસભા બેઠકના ભાજપમાંથી ચૂંટાયેલા પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્વતે હવે નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે મધુ શ્રીવાસ્વતે આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી.

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમે એક એવો પક્ષ બનાવી રહ્યા છીએ, જેમાં તમામ જાતિના લોકોનો સમાવેશ કરવામાં આવશે. અમારો ઉદ્દેશ્ય ભાજપ અને કોંગ્રેસથી અલગ એક આગવા વિકલ્પ રુપે ત્રીજું નેત્ર બનીને સચ્ચાઈના માર્ગે ચાલનાર નેતૃત્વ ઉભુ કરવાનું છે.

આવનારી ચૂંટણીમાં અમારી પાર્ટી 40 થી 50 જેટલા એવા ઉમેદવારોને ઉભા રાખશે, જેઓ નિષ્ઠાવાન અને વિકાસ માટે પ્રતિબદ્ધ હશે. અમે એવા ઉમેદવારોને જ ટિકિટ આપીશું, તે ચૂંટાયા પછી પાર્ટી છોડીને જતા ના રહે.

વધુમાં તેમણે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર સંગીન આક્ષેપ કરતાં જણાવ્યું કે, કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની કામગીરીમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. જેને નાબુદ કરવા માટે અમે નવું નેતૃત્વ ઉભુ કરીશું. યુવાઓ સચ્ચાઈના માર્ગે ચાલે અને ભવિષ્યમાં પરિવર્તન લાવે, તે માટે અમે પક્ષની સ્થાપના કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995માં અપક્ષ ઉમેદવાર તરીકે વાઘોડિયા બેઠક પરથી પહેલી વાર વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ ભાજપમાં જોડાઈ સતત 6 ટર્મ સુધી વિજેતા બન્યા હતા. જોકે 2022ની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ ન આપતા તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા.