Vadodara: વડોદરા શહેરમાં શેર માર્કેટમાં રોકાણ અને ઓનલાઇન ટાસ્ક પૂરા કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર ત્રણ ગઠિયાઓને સાયબર ક્રાઈમ પોલીસે અલગ-અલગ ટીમ બનાવી ઝડપી પાડ્યા છે. પોલીસે ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને મુંબઈ, અમદાવાદ અને ગીર સોમનાથમાંથી આ આરોપીઓને દબોચી પાડ્યા હતા.
વડોદરાના એક વૃદ્ધે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, અજાણ્યા નંબર પરથી ફોરેક્સ ટ્રેડિંગ માટે મેસેજ મળ્યો હતો. ઠગોએ બનાવટી વેબસાઇટની લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવ્યું અને શરૂઆતમાં વિશ્વાસ કેળવવા માટે રૂ.38 હજાર પરત આપ્યા.
આ પણ વાંચો
જે બાદમાં વૃદ્ધ પાસેથી ટૂકડે ટૂકડે કરીને કુલ રૂ.1.47 કરોડ ભરાવડાવ્યા. જ્યારે નફો મેળવવા રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે નાણા ન મળતા છેતરપિંડીનો ખુલાસો થયો. આ કેસની તપાસ દરમિયાન સાયબર ક્રાઈમ પોલીસે અમદાવાદના કૌશિકકુમાર હરજીવનભાઈ પરમાર અને ગીર સોમનાથના અમૃત વલ્લભભાઈ ચાંડપાને ઝડપી પાડ્યા હતા. આરોપી કૌશિકકુમારે અન્ય વ્યક્તિના નામે બેંક ખાતું ખોલાવી ફ્રોડ માટે ઉપયોગ કર્યો હતો, જ્યારે અમૃતેતે ખાતું કમિશન લઈને સહઆરોપીને આપ્યું હતું.
આવી જ રીતે વડોદરાના એક અન્ય ફરિયાદીને યુટ્યુબ પર શેર માર્કેટની જાહેરાત પરથી ઠગો સાથે સંપર્ક થયો હતો. ઠગોએ ઝૂમ મિટિંગ દ્વારા શેર માર્કેટની ટિપ્સ આપીને વિશ્વાસ જીત્યો અને રૂ.16.25 લાખ રોકાવ્યા. જે પૈકી માત્ર રૂ.49 હજાર પરત કરાયા. આ કેસમાં મુંબઈના સચીન કનકરાય મહેતાની ધરપકડ કરવામાં આવી છે.
અન્ય એક કેસમાં ઓનલાઈન ટાસ્ક પૂરા કરાવી ક્રિપ્ટોમાં રોકાણ કરાવવાની લાલચ આપી રૂ.6.95 લાખની છેતરપિંડી કરનાર રાજકોટના નવાઝ વાહીદ પાનવાલાલાને પણ પોલીસએ ઝડપી પાડ્યો છે. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર અને એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ આ સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા આરોપીઓ પાસેથી વધુ વિગતો મેળવવા માટે પૂછપરછ ચાલુ છે
