વડોદરામાં પમ્પિંગ સ્ટેશનની ટાંકીમાં મગર ખાબક્યો, રેસ્ક્યુ ટીમે જીવના જોખમે ટાંકી ઉતરી મગરને પહાર કાઢ્યો

આજે સવારે પમ્પિંગ સ્ટેશનના કર્મચારીઓની નજર ટાંકીમાં પડેલા મગર પર પડતા જ તાત્કાલિક વન વિભાગ અને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 18 Nov 2026 03:09 PM (IST)Updated: Wed, 18 Nov 2026 03:09 PM (IST)
vadodara-news-crocodile-falls-into-deep-pumping-station-tank-rescued-by-team

Vadodara News: વડોદરા શહેરના રહેણાંક અને વ્યસ્ત ગણાતા કારેલીબાગ વિસ્તારમાં આવેલા બાલભવન સામેના સુએઝ પમ્પિંગ સ્ટેશનની ઊંડી ટાંકીમાં આજે વહેલી સવારે આશરે 3.5 ફૂટ લાંબો મગર ખાબકતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાને પગલે સ્થાનિક નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, પરંતુ તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે જાહેર સુવિધાના આવા સંવેદનશીલ માળખામાં સુરક્ષા વ્યવસ્થાનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

ટાંકીમાં રેસ્ક્યુ કરવું અત્યંત જોખમી હતું

પ્રાપ્ત વિગતો અનુસાર, આજે સવારે પમ્પિંગ સ્ટેશનના કર્મચારીઓની નજર ટાંકીમાં પડેલા મગર પર પડતા જ તાત્કાલિક વન વિભાગ અને પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગની ટીમ તુરંત જ સાધન-સામગ્રી સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સુએઝ પમ્પિંગ સ્ટેશનની ટાંકી અત્યંત ઊંડી, અંધારમય અને ગંદા પાણી તેમજ ઝેરી ગેસની શક્યતાઓથી ભરેલી હોવાથી રેસ્ક્યુ ઓપરેશન અત્યંત જોખમી બની રહ્યું હતું.

ભારે જહેમત બાદ મગરને બહાર કઢાયો

રેસ્ક્યુ ટીમના જવાનોએ જીવના જોખમે ટાંકીની અંદર ઉતરીને ભારે જહેમત બાદ 3.5 ફૂટના મગરને સફળતાપૂર્વક બહાર કાઢ્યો હતો. રેસ્ક્યુ બાદ મગરની તપાસ કરી તેને સંપૂર્ણ સહીસલામત હાલતમાં વન વિભાગના કાર્યાલય ખાતે સુપ્રત કરવામાં આવ્યો છે, જ્યાંથી તેને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવાની આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.

જોકે, આ ઘટનાએ વડોદરા મહાનગરપાલિકા અને સુએઝ પમ્પિંગ સ્ટેશનની જાળવણી કરતા તંત્રની ગંભીર બેદરકારી ઉજાગર કરી છે. બાલભવન જેવા બાળકો અને પરિવારોની સતત અવરજવર ધરાવતા વિસ્તારની બરાબર સામે આવેલા પમ્પિંગ સ્ટેશનની ટાંકીઓ યોગ્ય રીતે ઢાંકેલી ન હોવી કે આસપાસ મજબૂત ફેન્સિંગ ન હોવી એ અત્યંત ચિંતાજનક બાબત છે. વિશ્વામિત્રી નદી નજીક હોવાથી મગરો રહેણાંક વિસ્તારોમાં આવી ચઢવાની ઘટનાઓ સામાન્ય બની છે, ત્યારે આવી ખુલ્લી ટાંકીઓ વન્યજીવો અને નાગરિકો માટે જોખમી સાબિત થઇ શકે છે.