Vadodara: વડોદરા શહેરમાં છેલ્લા દોઢ માસથી બંધ મકાનોને ટાર્ગેટ કરીને ચોરી કરતા સીકલીગર ત્રિપુટી સામે પોલીસે મોટી એક્શન લીધી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રાતના સમયે ઘરફોડ-વાહન ચોરીના ગુનાઓ અંજામ આપતા ત્રણ શાતિર આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી રૂપિયા 6.46 લાખનો મુદ્દામાલ જેમાં રોકડ, સોનાચાંદીના દાગીના, બે બાઈક અને ચોરીના સાધનો જપ્ત કર્યા છે.
આ ત્રિપુટી શમશેરસિંગ ઉર્ફે ઢબુસિંગ માનરસિંગ ટાંક, બચ્ચુસિંગ ઉર્ફે જશપાલસિંગ દુધાની અને મહેન્દ્રસિંગ દુધાનીના રૂપમાં સીકલીગર સમાજના ગુનાખોર ઇતિહાસ ધરાવનાર શખ્સો છે. તપાસ દરમિયાન તેમણે ગોત્રી, ગોરવા, માંજલપુર અને રાવપુરા વિસ્તારમાં ચોરી કરવાની કબૂલાત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ઢબુસિંગ સામે અગાઉના 19 ગુનાઓ, બચ્ચુસિંગ સામે 10 ગુનાઓ, અને મહેન્દ્રસિંગ સામે 4 ગુનાઓ નોંધાયેલ છે. ક્રાઈમ બ્રાન્ચે ગાઢ પેટ્રોલિંગના આધારે આ ત્રિપુટી સુધી પહોંચી હતી. હવે આરોપીઓ સામે કાર્યવાહી ચાલી રહી છે અને વિવિધ પોલીસ સ્ટેશનોને હવાલે કરવામાં આવ્યા છે.