Vadodara: વાઘોડિયામાં ડમ્પરની ટક્કરે બાઈક સવાર દંપતીનું કમકમાટીભર્યું મોત, અકસ્માત સર્જી ડ્રાઈવર વાહન મૂકીને ફરાર

અકસ્માત એટલો ભયાનક હતો કે, ટક્કર બાદ બાઈક ડમ્પરની નીચે ઘૂસીને ફસાઈ ગયું હતુ. જ્યારે દંપતી ઉછળીને નીચે પટકાતા ગંભીર રીતે ઘાયલ થયું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 14 Jun 2026 08:28 PM (IST)Updated: Sun, 14 Jun 2026 08:28 PM (IST)
vadodara-news-couple-killed-in-dumper-hits-bike-at-waghodia
HIGHLIGHTS
  • વાઘોડિયા પોલીસે ફરાર ડ્રાઈવરની શોધખોળ આદરી

Vadodara Accident: વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દખેડા ગામ નજીક માંતેલા સાંઢની માફક ધસી આવેલા ડમ્પરે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર દંપતીનું મોત નીપજ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ચંદ્રકાંત વસાવા (50) પોતાની પત્ની હંસાબેન (45) સાથે બાઈક પર દખેડાથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન દખેડા ગામ નજીક પહોંચતા જ પુરપાટ આવતા ડમ્પરે તેમના બાઈકને ટક્કર મારી હતી.

ડમ્પરની ટક્કર બાદ બાઈક સવાર દંપતી હવામાં ફંગોળાઈને નીચે પટકાયું હતુ. જ્યારે બાઈક ડમ્પરની નીચે ઘૂસીને ફસાઈ ગયું હતુ. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ. અકસ્માતના પગલે આસપાસના લોકો એકઠા થતાં ડમ્પરનો ડ્રાઈવર પોતાનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો.

બીજી તરફ અકસ્માતની જાણ થતાં વાઘોડિયા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને ફરાર થઈ ગયેલા ડ્રાઈવરની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.