Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને પશ્ચિમ મહિલા પોલીસની ટીમે મેટ્રોમોનિયલ વેબસાઈટ પર પોતાની અસલ ઓળખ છૂપાવીને મહિલાઓ અને યુવતીઓને લગ્નની લાલચ આપીને ફસાવનાર વિધર્મીને ઝડપી પાડ્યો છે.
કડીના કરીમ સિપાઈના 'આદિત્ય પટેલ' બનીને કારનામા
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મહેસાણા જિલ્લાના કડીના વતની કરીમ સિપાઈએ મેટ્રીમોનિયલ વેબસાઈટ પર આદિત્ય પટેલ નામની બોગસ પ્રોફાઈલ બનાવી હતી. પોતે પરિણીત અને 20 વર્ષના પુત્રનો પિતા હોવા છતાં સાઈટ્સ પર પોતાને વિધુર અને નિઃસંતાન ગણાવીને એકલવાયું જીવન જીવતી મહિલાઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો.
આરોપી પોતાના આદિત્ય પટેલ નામના નકલી આધારકાર્ડ, પાનકાર્ડ તેમજ પત્નીના મરણના દાખલા મોકલીને ભોગ બનનારી મહિલાઓનો વિશ્વાસ જીતતો હતો. જે બાદ પોતાને નાણાંની જરૂરિયાત હોવાનું જણાવીને ભોગ બનનાર મહિલાઓ પાસેથી મોટી રકમ પડાવતો હતો.
ભોગ બનનાર મહિલાએ હિન્દુ સંગઠનોની મદદથી ભાંડો ફોડ્યો
એક વિધવા મહિલા 6 મહિનાથી આરોપીની જાળમાં ફસાઈ હતી. એક દિવસ મોબાઈલમાં ટ્રૂ-કૉલરમાં આરોપીના મોબાઈલ નંબર સાથે તેનું સાચું નામ ડિસ્પ્લે થતાં મહિલાને શંકા ઉપજી હતી. આથી પીડિત વિધવા તપાસ કરતાં આરોપીનો ભાંડો ફૂટ્યો હતો, જે બાદ તેણે હિન્દુ સંગઠનોનો મદદથી પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
હાલ તો પીડિત મહિલાની ફરિયાદના આધારે છેતરપિંડી અને આઈ.ટી.એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે જ તેના ફોનને તપાસ અર્થે FSLમાં મોકલી આપવામાં આવ્યો છે.
